
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત, અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય, બે હેક્ટરની મર્યાદામાં લાભ
દુષ્કાળ જાહેર થાય તેની રાહ જોયા વિના આગોતરું આયોજન, અત્યાર સુધી ૧.૨૧ કરોડ કિલોગ્રામ ઘાસનું રૂ. ૨ પ્રતિ કિલોના રાહતદરે વિતરણ, ૩ કરોડ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ
પશુ કેમ્પમાં પશુદીઠ પ્રતિદિન રૂ. ૮૦ની સહાય; દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ૧૫૦ માનવદિન રોજગારીનો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ખેડૂત–પશુપાલક હિતને સદૈવ પ્રાથમિકતા : હિરેન હિરપરા
રાજ્યમાં ઓછો અને વિલંબિત વરસાદ ધરાવતા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો અને પશુપાલકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પાક નુકસાન સામે સહાય, રાહતદરે ઘાસચારો, પશુ કેમ્પ માટે સહાય, ગ્રામ્ય રોજગારી તથા આગામી રવિ સિઝન માટે સિંચાઈના આયોજન સહિતના પગલાં દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોને રાહત આપવાનું સરકાર શ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતને પ્રાથમિકતા આપી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લીધા છે. કૃષિ માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે રાહતના વિવિધ પગલાંની જાહેરાત કરી હતી.
દુષ્કાળ જાહેર થાય તેની રાહ જોયા વિના રાજ્ય સરકારે જૂન-જુલાઈ ૨૦૨૬થી જ વિલંબિત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કર્યું હતું અને સમગ્ર રાજ્યમાં રાહતદરે ઘાસચારો વિતરણ શરૂ કરાવ્યું હતું. ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીનો અગાઉથી વિચાર કરીને લેવાયેલો આ નિર્ણય સમયસર આયોજન અને ભાજપના નેતૃત્વનું ખેડૂતો માટે સંવેદનશીલ અભિગમનું ઉદાહરણ છે.
હિરપરાએ કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલોગ્રામ ઘાસનું રૂ. ૨ પ્રતિ કિલોના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર પાસે ૩ કરોડ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાના ઘાસની ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા ચાર જિલ્લાઓમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે SDRFના ધોરણો અનુસાર અસરગ્રસ્ત પાક માટે હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય, વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ નિર્ણયથી કુદરતી પરિસ્થિતિને કારણે પાક નુકસાનનો સામનો કરતા ખેડૂતોને સીધી આર્થિક સહાય ઉપલબ્ધ થશે.
પશુપાલકો માટે લેવાયેલા નિર્ણય અંગે શ્રી હિરપરાએ કહ્યું કે, દુષ્કાળ જાહેર થયેલા વિસ્તારોમાં પશુ કેમ્પના પશુઓ માટે પશુદીઠ પ્રતિદિન રૂ. ૮૦ની સહાય બે મહિના સુધી SDRFમાંથી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને જરૂરી સહાયનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
હિરપરાએ વધુમાં ઉમેર્યું કે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામ્ય પરિવારોને રોજગારી મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના અંતર્ગત ૧૫૦ માનવદિનની રોજગારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દુષ્કાળની પરિસ્થિતિમાં આ નિર્ણય ગ્રામ્ય પરિવારો માટે રોજગારી અને આવકનો મહત્વપૂર્ણ આધાર બનશે.
સિંચાઈ અને પાણીના આયોજન અંગે હિરપરાએ જણાવ્યું કે, ખરીફ ઋતુ દરમિયાન માંગના આધારે ૪૪ ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું છે, જ્યારે આગામી રવિ સિઝન માટે ૭૬ ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ધરોઈ-દાંતીવાડા સહિત ૧૧ ડેમ, મધ્ય ગુજરાતમાં કરજણ-પાનમ સહિત ૧૨ ડેમ, દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ-કાંકરાપાર અને દમણગંગા સહિત ૯ ડેમ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં શેત્રુંજી, બ્રાહ્મણી અને મચ્છુ સહિત ૩૯ ડેમ તથા કચ્છ વિસ્તારના ૫ ડેમોમાં પાણીની ઉપલબ્ધતાના આધારે એકથી ચાર પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પીવાના પાણીને પ્રાથમિકતા આપીને તા. ૩૦ જૂન, ૨૦૨૭ સુધી પીવાનું પાણી અનામત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અંતમાં હિરેન હિરપરાએ કહ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીના સમયે તેમની પડખે ઊભી રહી છે. પાક સહાયથી લઈને ઘાસચારો, પશુ કેમ્પ સહાય, રોજગારી અને સિંચાઈ સુધીના નિર્ણયો દ્વારા દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, કિસાન મોરચો રાજ્ય સરકારના ખેડૂત અને પશુપાલકહિતના આ નિર્ણયોનું સ્વાગત કરે છે.