
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો છે. એને પગલે પોલીસે માર મારનારા 2 યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી હતી. એને પગલે યુવતીના ભાઇ સહિતના 4થી5 લોકોએ યુવકને ઢોરમાર માર્યો હતો. એને પગલે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, જોકે યુવકે ફરિયાદ કરવાની ના પાડતાં અકોટા પોલીસે કલમ 151 અંતર્ગત 2 યુવકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને શહેરની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. પછી તેઓ મોબાઇલ પર મેસેજથી વાતો કરતાં હતાં અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. વેલેન્ટાઇન ડેના રોજ યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર પર બોલાવી હતી, જેની જાણ યુવતીના ભાઇને થઈ ગઇ હતી. યુવતીનો ભાઇ અને યુવક બંને સારા મિત્રો છે, જેથી યુવતીના ભાઇએ યુવકને અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં બોલાવ્યો હતો અને ત્યાં યુવતી પણ હાજર હતી. યુવતીના ભાઇ સહિત 4થી 5 લોકોએ યુવકને તાલિબાની સજા આપતા હોય એમ ઢોરમાર માર્યો હતો. યુવતીએ પણ યુવકને લાફા ઝીંક્યા હતા, તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

વીડિયો વાઇરલ થતાં અકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદી અને યુવકને માર મારનારા 2 યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં બદનામીના ડરથી યુવકે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી પોલીસે કલમ 151 હેઠળ 2 આરોપીની અટકાયત કરી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.