
વડોદરામાં ભાજપે જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરતાંની સાથે જ અસંતોષ અને વિરોધના સૂર ફાટી નીકળ્યા છે. ડેસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ સોશિયલ મીડિયાના માધ્યમથી નારાજગી દર્શાવી એક પોસ્ટમાં એવી ટકોર કરી હતી કે જિલ્લાના માળખમાં ડેસરના સ્થાનિક ચહેરાને કોઈ સ્થાન નહીં આપી અવગણના કરવામાં આવી છે. ઈલાબહેનને સોંપવામાં આવેલી જવાબદારીનો વિરોધ કરતાં તેમણે એવી ટકોર કરી હતી કે, તેઓ વડોદરાના છે. આ નિમણૂકથી ડેસરને અન્યાય થયો છે. તેમણે માળખામાં સ્થાનિકોના સમાવેશનો આડકતરો ઈશારો કર્યો હતો.
સંગઠનના માળખામાં નિમણૂક સામે વિરોધ જાણે ભાજપમાં હવે ચીલો પડી ગયો છે. ભૂતકાળમાં પણ સરકારથી માંડી વિવિધ સ્તરે અસંતોષની આગ ફાટી નીકળી હતી. હવે આ રેલો નીચલા સ્તરે પહોંચ્યો છે, જે ભાજપની સ્થાનિક નેતાગીરીની સાથેસાથે ભવિષ્યમાં ભાજપની પ્રદેશ નેતાગીરી સામે પણ અનેક અણિયાળા સવાલો ઉભા કરી શકે છે. અત્યાર સુધી એવા આરોપો મુકાઈ ચૂક્યા છે કે સંગઠન સ્તરે હોદ્દદારોની પસંદગીમાં વહાલા દવલાની નીતિ અપનાવવમાં આવે છે.
ડેસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ભાજપ નેતૃત્વ સામે દર્શાવેલો વિરોધ માત્ર તેમની નારાજગી નથી પરંતુ એક પ્રકારે પસંદગી પ્રક્રિયા સામે પ્રશ્નો ઊભા કરે છે. વિવિધ સ્તરે સ્થાનિક અગ્રણીઓ દબાતા અવાજમાં એવી ફરિયાદ કરી રહ્યા છે કે, સંગઠનનું માળખું નક્કી કરતી વખતે તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી. પેરાશૂટની જેમ ઉપરથી જે નામો નક્કી થયા હોય તેના પર મંજૂરીની મહોર મારી દેવામાં આવતી હોય છે અને વિરોધ ફાટી નીકળે એટલે આગ લાગે ત્યારે કુવો ખોદવા જવાની ઉક્તિની જેમ કામ કરવામાં આવે છે. કેટલાક સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, આવી નીતિ લાંબેગાળે ભાજપની છબિને હાનિ પહોંચાડી શકે છે.