ઊનાનો શરમજનક કિસ્સોઃ ખાંપટ ગામનો શિક્ષક વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવતો હતો

ઊનાના ખાંપટ ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. આ શાળાના શિક્ષક પર બાળકોને દારૂ લેવા મોકલવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એક વિદ્યાર્થી દારૂ લઈને શાળામાં આવ્યો હતો. જે બાદ આચાર્યએ તેની સાથે પૂછપરછ કરતા આ આખો ભાંડો ફૂટ્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં વિદ્યાર્થી આચાર્ય સામે સ્વીકારે છે કે, શિક્ષક હરેશ ગૌસ્વામીએ ૫૦૦ રૂપિયા આપીને તેને દારૂની બોટલ લેવા મોકલ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને વિગતવાર લેખિત ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો હવે સત્તાવાર તપાસના તબક્કે પહોંચ્યો છે.

શાળાના આચાર્યએ આ અંગેની ફરિયાદ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, શાળામાં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી સામે ઘણા સમયથી વિદ્યાર્થીઓ આક્ષેપ કરતા હતા કે, આ શિક્ષકને દારૂ પીવાની આદત તેમજ કથિત રીતે નશાની હાલતમાં શાળાએ આવે છે.આ અંગે અગાઉ પણ અનેક વખત તાલુકા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે વધુ ગંભીર ઘટના પ્રકાશમાં આવી હોવાનું આચાર્યે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

આચાર્યના જણાવ્યા મુજબ, ગત ૨૦ જૂનના રોજ તેમને વિશ્વસનીય માહિતી મળી હતી કે, ધોરણ-૭ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષકે રૂ.૫૦૦ આપીને ગામમાંથી દારૂ લેવા મોકલ્યો હતો.માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે તે અગાઉ પણ અનેક વખત આ જ શિક્ષક માટે ગામમાંથી દારૂ લાવ્યો હતો. આ શિક્ષક દારૂ લાવવાના વિદ્યાર્થીને રૂપિયા આપતા હતા જેથી તે આવું કરતો હોવાનું પણ તેણે કબૂલ્યું છે.

શાળાના આચાર્યે અન્ય શિક્ષક અને સીસીટીવી કેમેરાની સામે વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. જે દરમિયાન વિદ્યાર્થી પાસેથી શિક્ષકે મંગાવેલી દારૂની બોટલ તેમજ શિક્ષકે આપેલા રૂ.૫૦૦માંથી બચેલા રૂ.૨૩૦ મળ્યા હતા. આ પુરાવા બતાવીને આ અહેવાલ તાલુકા શિક્ષણાધિકારીને મોકલી કડક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.