સુરતના લસકાણા-સીમાડા વિસ્તારમાં આવેલી હોટલમાંથી કૂટણખાનું ઝડપાયું, ૮ થાઈ યુવતીઓ સહિત ૧૦ યુવતીઓ મળી આવી

ડાયમંડ સિટી સુરતના લસકાણા-સીમાડા વિસ્તારમાં આવેલી એક હોટલ સન લાઈટમાં સરથાણા પોલીસે મોટો દરોડો પાડતા હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટ બહાર આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલ્યા અને ભાંડો ફૂટ્યો. રિપોર્ટ મુજબ સરથાણા પોલીસ મથકની બિલકુલ નજીક એટલે કે લગભગ ૯૦૦ મીટરના અંતરે આવેલી એક હોટલમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતું હતું જેમાં વિદેશી યુવતીઓ પણ સામેલ હતી. પોલીસને બાતમી મળીત હતી કે સીમાડા રોડ પર બાબા સિતારામ ચોક પાસે જે હોટલ આવેલી છે સનલાઈટ તેમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલે છે.

આ દરોડાની કાર્યવાહી દરમિયાન થાઈલેન્ડની ૮ અને ૨ ભારતીય યુવતીઓ મળી આવી. દેહવ્યાપારના ગર્તામાં ધકેલાયેલી તમામ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી. આ હોટલના માલિક રોશન જીતેશ માવાણીની ધરપકડ કરવામાં આવી છે. હોટલના મેનેજર પ્રિન્સ વિજયભાઈ ભંડેરીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

આરોપીઓ થાઈ યુવતીઓ માટે ગ્રાહકો પાસેથી ૫૦૦૦ રૂપિયાની વસૂલાત કરતા હતા. ભારતીય યુવતીઓ માટે ૨૫૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હોવાની વાત સામે આવી છે. અનૈતિક વ્યાપાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ રૂમો અને રિસેપ્શનના ડ્રોવરોમાંથી મોટા પાયે કોન્ડોમના પેકેટો પણ મળી આવ્યા છે.

આવું કેવું કે અગાઉ જે હોટલ પર દરોડો પડ્યો હતો તે હોટલ પર ફરીથી આ જ મામલે દરોડો પડ્યો? મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનામાં આ જ હોટેલ પર બીજી વખત દરોડો પડ્યો છે. હોટલમાં અગાઉ પણ અનૈતિક પ્રવૃત્તિઓની ફરિયાદો સામે આવી હતી. હાઉસ કીપરને પંચ સાક્ષી બનાવી કાયદાકીય કાર્યવાહી મજબૂત કરવામાં આવી છે. આ રેકેટમાં અન્ય મોટા માથાઓ સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.