સુરતના ઓલપાડમાં પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધઃ બજાર ભાવના ચાર ગણાં વળતરની માંગ

મોરબીમાં વીજપોલ અને વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોનો વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી પાવરગ્રીડની હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતો અને જમીન માલિકોએ સરકાર અને સંબંધિત કંપની સામે વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમની ખેતીલાયક જમીનમાંથી પસાર થનારી લાઇનના કારણે ખેતી અને ભવિષ્યની આવક પર અસર પડશે. તેથી બજાર કિંમતના ચાર ગણાં વળતરની માંગ કરવામાં આવી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ પાવરગ્રીડ કંપનીની અનેક ટ્રાન્સમિશન લાઇનો ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થવાની છે. જેના કારણે અનેક ખેડૂતોની જમીન અસરગ્રસ્ત બનવાની શક્યતા છે. ખેડૂતોનો દાવો છે કે ખેતીની કામગીરી, સિંચાઈ અને જમીનના ઉપયોગ પર તેની સીધી અસર પડશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂત સંગઠનના આગેવાનોએ સરકારની નીતિઓ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને વળતર સંબંધિત નીતિઓમાં ખેડૂતોના હિતનું પૂરતું રક્ષણ થતું નથી. તેમણે ખેડૂતોને એકજૂટ રહી કાયદેસર રીતે પોતાના હકો માટે લડત ચાલુ રાખવા અપીલ કરી.

ખેડૂતોએ નક્કી કર્યું છે કે ૧૮ જુલાઈએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચી આવેદનપત્ર આપશે. રજૂઆતમાં બજાર કિંમતના ચાર ગણાં વળતર, અસરગ્રસ્ત ખેડૂતોના હિતોની સુરક્ષા અને પ્રોજેક્ટ અંગે પારદર્શક પ્રક્રિયાની માંગ કરવામાં આવશે.ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.

ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ આ મુદ્દાને માત્ર દક્ષિણ ગુજરાત સુધી મર્યાદિત રાખવામાં નહીં આવે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પાવરગ્રીડ અથવા સમાન પ્રોજેક્ટોથી અસરગ્રસ્ત ખેડૂતોને જાડીને રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન અને સંગઠનાત્મક કાર્યક્રમો યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે.તેમણે અગાઉ ખેડૂતોના હિત સંબંધિત મુદ્દાઓ પર થયેલા આંદોલનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે લોકશાહી માધ્યમોથી પોતાના હકો માટે લડત ચાલુ રાખવામાં આવશે.

સમગ્ર વિવાદનો મુખ્ય મુદ્દો ખેડૂતોને મળનારા વળતરનો છે. ખેડૂતોનું માનવું છે કે જમીનના લાંબા ગાળાના ઉપયોગ પર અસરને ધ્યાનમાં રાખીને વર્તમાન વળતર પૂરતું નથી. બીજી તરફ સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ મુદ્દે આગામી નિર્ણય પર સૌની નજર ટકેલી છે.