શહેરમાં એક કરુણ ઘટનાએ ચકચાર મચાવી છે. ૪૬ વર્ષીય શરદ પાટીલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારજનોએ આ ઘટનાને માત્ર આપઘાત ગણાવીને ભૂલી ન જવાની માગ સાથે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે શરદ પાટીલ છેલ્લા ઘણા મહિનાઓથી કાર્યસ્થળે મળતા માનસિક ત્રાસના કારણે ભારે તણાવમાં હતા.
મળતી માહિતી મુજબ, શરદ પાટીલ ઘણા વર્ષોથી મિતાલી ગેસ એજન્સીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણથી ચાર મહિનાથી તેઓ સતત ચિંતિત અને પરેશાન રહેતા હતા. ઘરમાં પણ તેઓ વારંવાર ઓફિસના દબાણ અને ત્રાસ અંગે વાત કરતા હોવાનું પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.
મૃતકના ભાઈ કિરણ પાટીલે મીડિયા સમક્ષ જણાવ્યું કે, શરદ પાટીલને વારંવાર ઓફિસ તરફથી પેનલ્ટી ફટકારવામાં આવતી હતી. એટલું જ નહીં, કેટલીક વખત થોડા દિવસો માટે નોકરીમાંથી દૂર રાખવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પરિવારનું માનવું છે કે આ પ્રકારના સતત દબાણ અને અપમાનજનક વર્તનના કારણે તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા.
ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. શરદ પાટીલના પરિવારમાં પત્ની અને ચાર વર્ષનો પુત્ર છે જેમના માટે આ દુર્ઘટના ભારે આઘાતરૂપ બની છે. પરિવારજનોનું કહેવું છે કે હવે તેમના માથે જીવન નિર્વાહનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. પરિવારના સભ્યોએ કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હોવાનું જણાવ્યું છે.
આ દરમિયાન કેટલાક કર્મચારીઓએ પણ ઓફિસના વાતાવરણ અને દબાણ અંગે ચર્ચા કરી હોવાનું પરિવારનો દાવો છે. જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પરિવારની મુખ્ય માગ છે કે પોલીસ આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ કરે. શરદ પાટીલે આટલું મોટું પગલું કયા કારણોસર ભર્યું, શું ખરેખર તેઓ માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે તપાસમાં કયા તથ્યો સામે આવે છે અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલું સત્ય બહાર આવે છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોના નિવેદનો સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.