
શહેરના ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલ પોદ્દાર આર્કેડ સામેના ‘રતિ હાઉસ’ (રતિહ જ્વેલર્સ / રાધે ડાયમંડ જ્વેલરી) નામના ઔદ્યોગિક એકમમાં વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ઇટીપી (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની વેસ્ટ પ્રોસેસિંગ સેપ્ટીક ટેંકની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરના કારણે અંદર જ ફસાઈ ગયા બાદ ગૂંગળામણથી મૃત્યુ પામ્યા છે. જ્વેલરી પ્રોસેસિંગના કેમિકલયુક્ત પાણીની આ ટેંકમાં એક બાદ એક વ્યક્તિ બચાવવા જતાં આખી શૃંખલા કાળનો કોળિયો બની ગઈ હતી.
દર બે મહિને નિયમિત સાફ થતી આ ટેંકમાં સૌપ્રથમ યોગેશ નાનાભાઈ જાદવ નામનો શ્રમિક સફાઈ માટે અંદર ઉતર્યો હતો, જ્યાં ઝેરી ગેસના કારણે તે ગૂંગળામણ અનુભવી બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવણે અને વિજય ભીખાભાઈ આહીરે (ઉં.વ. ૨૪) નામના અન્ય બે કામદારો અંદર ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસની ચપેટમાં આવી ફસાયા હતા. આ ત્રણેયને અંદર ફસાયેલા જોઈ, ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કર્યા બાદ ૨૬ વર્ષીય સુપરવાઈઝર નિમેષ વિઠ્ઠલભાઈ સાવલિયા પણ સાથી કર્મચારીઓને બચાવવાના ઉમદા આશયથી અંદર ઉતર્યો હતો, પરંતુ કમનસીબે તે પણ બહાર નીકળી શક્યો ન હતો.ફાયર ઓફિસર રણજીતસિંહ ખડિયા અને ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવેની આગેવાની હેઠળ ફાયરનો કાફલો તાત્કાલિક ઓકસીજન કીટ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ સ્લજ (કાદવ-કચરો) ચેમ્બરમાંથી ચારેય વ્યક્તિઓને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.
ફાયર ઓફિસર ભાવિન કોસીયાના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે તપાસ કરતાં શ્રમિકોએ કોઈ પણ પ્રકારની પીપીઇ કીટ, સેફ્ટી માસ્ક કે ઓકસીજન સિલિન્ડર જેવા સુરક્ષા સાધનો પહેરેલા નહોતા, જે નીતિ-નિયમોનું ગંભીર ઉલ્લંઘન અને માલિકની મોટી બેદરકારી દર્શાવે છે. આ પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીયલ હોવાથી મહાનગરપાલિકા હેઠળ આવતી નથી, જેથી આગળની તપાસ ફેક્ટરી એક્ટ મુજબ જે-તે સંલગ્ન વિભાગ દ્વારા હાથ ધરાશે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, ફેક્ટરીના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ ચાલુ છે અને જો કંપની માલિકની ગુનાહિત બેદરકારી સાબિત થશે તો તેમની સામે ગુનો દાખલ કરાશે.