શહેરમાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં પતિએ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરીને નાખી છે. આરોપી પતિ વિશાલ સાલવીએ પોતાની પત્ની શિલ્પાની ૨૦ એપ્રિલના રોજ કરપીણ હત્યા કરી હતી. ઘરેલું કંકાસ અને છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઝઘડાઓ આ હત્યાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ આરોપીએ લાશને છુપાવવા માટે એક લાકડાની પેટી તૈયાર કરી અને તેમાં પત્નીની લાશ મૂકીને ઉપરથી સિમેન્ટનો જાડો થર લગાવી દીધો હતો. જેથી દુર્ગંધ બહાર ન આવે અને કોઈને શંકા ન જાય. આ ઘટના સામે આવતા લોકોને વિચારતા કરી મૂક્યા છે.
આરોપીની ક્રૂરતા એટલી હદે પહોંચી ગઈ હતી કે તે પાંચ દિવસ સુધી એ જ ઘરમાં લાશ સાથે રહ્યો. આ દરમિયાન તેણે પત્ની ગુમ થઈ ગઈ હોવાનું નાટક પણ કર્યું અને આસપાસના લોકો તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આખરે ૨૫ એપ્રિલના રોજ આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આરોપીએ પોતાના ૧૩ વર્ષના પુત્રને એક ચિઠ્ઠી આપી હતી અને ત્યારબાદ પોતે ફરાર થઈ ગયો હતો. આ ચિઠ્ઠીમાં તેણે પોતાના ગુનાની કબૂલાત સાથે લાશ ક્યા રાખી છે તેની વિગત પણ લખી હતી.
ચિઠ્ઠી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને જણાવેલ સરનામે પહોંચી મકાનનું તાળું તોડી અંદર તપાસ હાથ ધરી. ઘરમાં શોધખોળ દરમિયાન એક શંકાસ્પદ લાકડાની પેટી મળી આવી. જ્યારે પોલીસે પેટી પરનું સિમેન્ટ તોડ્યું ત્યારે અંદરથી કોહવાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતા સમગ્ર ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
હાલમાં પોલીસે આરોપી વિશાલ સાલવી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ તેજ કરી છે. વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપી ટૂંક સમયમાં જ કાયદાની પકડમાં આવી જશે.