
એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં યોજાઈ રહેલા ‘ભારત પર્વ ૨૦૨૬’ને પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. ૧થી ૧૫ નવેમ્બર દરમિયાન યોજાનારા આ મહોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં જ ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ઉત્સવમાં દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, લોકનૃત્યો અને પરંપરાગત વાનગીઓ એક જ સ્થળે માણવાની તક મળી રહી છે.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરતા આ મહોત્સવમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસન પેવેલિયન ઊભા કરવામાં આવ્યા છે. અહીં રાજ્યોનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળો ઉપરાંત પરંપરાગત કલા, હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું પ્રદર્શન થઈ રહ્યું છે. ઓડિશાની સંબલપુરી સાડી અને પટ્ટચિત્ર કલા, આસામની મુગા સિલ્ક, બિહારની મધુબની ચિત્રકલા, મધ્યપ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડી તેમજ જમ્મુ-કાશ્મીરની પસ્શ્મીના શાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
ગુજરાત તરફથી પટોળા, પીઠોરા ચિત્રકલા અને અજરખ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત છત્તીસગઢની વાંસની કળાકૃતિઓ અને અંદમાન-નિકોબારની શંખકલા પણ મુલાકાતીઓને આકર્ષી રહી છે. પ્રવાસીઓ હસ્તકલાના લાઇવ ડેમો નિહાળવાની સાથે કારીગરો પાસેથી પરંપરાગત કળા બનાવવાની પ્રક્રિયા જાણી શકે છે અને વિવિધ ઉત્પાદનોની ખરીદી પણ કરી શકે છે.
ભારત પર્વનું બીજું મોટું આકર્ષણ વિવિધ રાજ્યોના ૨૫ ફૂડ સ્ટોલ છે. અહીં મહારાષ્ટ્ર, કર્ણાટક, સિક્કિમ, આસામ, લદ્દાખ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત સહિતનાં રાજ્યોની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવી રહી છે. બિહારની લિટ્ટી ચોખા અને ઠેકુઆ, રાજસ્થાનની દાલ બાટી અને પ્યાઝ કચોરી, મધ્યપ્રદેશની ગજક અને રતલામી સેવ, પશ્ચિમ બંગાળની ઝાલમુડી અને પત્તીસપ્ત પીઠા તેમજ સિક્કિમના વેજ મોમો અને સેલ રોટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
આ ઉપરાંત આઇઆઇએચએમ શિમલા અને આઇઆઇએચએમ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્ટુડિયો કિચનમાં દરરોજ વિવિધ રાજ્યોની પ્રાદેશિક વાનગીઓ બનાવવાના લાઇવ કુકિંગ ડેમો યોજાઈ રહ્યા છે. તેના દ્વારા પ્રવાસીઓને વાનગીઓ બનાવવાની રીત જાણવાની સાથે ભારતની વિવિધ ખાદ્ય પરંપરાઓનો પરિચય મળી રહ્યો છે.
મહોત્સવમાં દરરોજ સાંજે વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા લોકસંગીત, પરંપરાગત નૃત્યો અને લોકકળાની પ્રસ્તુતિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને દેશના અલગ-અલગ પ્રદેશોની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાઓનો અનુભવ મળી રહ્યો છે. આમ, હસ્તકલા, હેન્ડલૂમ, પ્રાદેશિક વાનગીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારત પર્વ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે.
ભારત પર્વ ૨૦૨૬ અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને ૯ નવેમ્બર, ૨૦૨૬ના સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ દિવસે માત્ર વ્યૂઇંગ ગેલેરી બંધ રહેશે. પ્રવાસીઓ અને પરિવારોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત સાથે ભારત પર્વનો આનંદ માણવાની વધારાની તક મળશે. આ મહોત્સવ ૧૫ નવેમ્બર સુધી ચાલશે.