
ગુજરાતમાં દિવસેને દિવસે નવા નવા છેતરપિંડીના કિસ્સોઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે. શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે રૂ.૧.૯૪ કરોડની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. સાસરી પક્ષના ભાણિયા અને તેની પત્ની સામે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું કહેવાય છે. પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજા તૈયાર કરવા અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી શૈલેષભાઈ બચુભાઈ નાયક ગાંધીનગરના સેક્ટર-૫બીમાં રહે છે અને નિવૃત્ત પીએસઆઇ છે. તેમણે સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતા સાસરી પક્ષના ભાણિયા જ્વલિન ઉર્ફે જય પ્રકાશભાઈ નાયક અને તેની પત્ની બોસ્કી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી દંપતી ફરિયાદી અને તેમના પરિવારનું ઇન્કમટેક્સ રિટર્ન ભરતું હોવાથી પરિવારની આર્થિક સ્થિતિથી પરિચિત હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૪માં આરોપી દંપતી ફરિયાદીના ઘરે પહોંચ્યું હતું અને શેરબજારમાં ઊંચી જગ્યાએ રોકાણ કરાવી સારો નફો અપાવવાની વાત કરી હતી. જ્વલિને પોતે સાબરમતી ગેસ કંપનીમાં સીએ તરીકે નોકરી કરતો હોવાનું તેમજ કોન્ટ્રાક્ટરોના બિલો તેની સહીથી મંજૂર થતા હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હોવાનો આક્ષેપ છે.
આરોપીઓએ ફરિયાદીના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જાકે, એકાઉન્ટનો લોગિન આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખીને તેનું સંચાલન તેઓ જ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એક તબક્કે ડીમેટ એકાઉન્ટમાં રૂ.૨.૩૮ કરોડનો નફો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ રોકાણની રકમ અને નફો પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ ગલ્લા-તલ્લા શરૂ કર્યા હોવાનો આક્ષેપ છે.ફરિયાદીને શંકા જતાં તપાસ કરતાં ડીમેટ એકાઉન્ટ સાથે જાડાયેલું ઈમેલ આઈડી બદલી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, વિશ્વાસમાં લેવા માટે એસબીઆઇ બેંકની બનાવટી સિક્કાવાળી ભરણા સ્લીપ મોકલી રૂ.૫ લાખ જમા કરાવ્યા હોવાનો ખોટો દાવો પણ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ પોતાની બાકી નીકળતી રૂ.૧,૩૧,૭૫,૦૦૦ની રકમ પરત માગી ત્યારે આરોપી દંપતીએ મકાનનું બાનાખત કરી આપ્યું હતું. આ ઉપરાંત આપેલા બેંકના ચેક પણ ‘સહી અલગ’ હોવાના શેરા સાથે બાઉન્સ થયા હતા. ફરિયાદીએ ઉઘરાણી માટે દબાણ કરતાં જ્વલિને રાજકીય સંપર્કો ધરાવતો હોવાનો હવાલો આપીને જાનથી મારી નાખવાની તેમજ ફરિયાદીના પરિવારનું અપહરણ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. હાલ સેક્ટર-૭ પોલીસે નિવૃત્ત પીએસઆઇની ફરિયાદના આધારે સીએ દંપતી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.