શહેરા તાલુકામાં ડાંગરના ભાવના કડાકાથી ખેડુતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

શહેરા તાલુકામાં ડાંગરના ભાવમાં આવેલા અચાનક કડાકાથી ખેડૂતો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ રાત-દિવસની મહેનત સામે પૂરતું વળતર ન મળતાં ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે, તો બીજી તરફ બજારના સતત ઉતાર-ચડાવથી વેપારીઓ માટે પણ વેપાર કરવો જોખમી બન્યો છે.વિક્રમસિંહ પગી સહિતના ખેડૂતોએ સરકારી ખરીદી રૂ. ૮૦૦ થી ૧૦૦૦ ના ભાવે કરવાની પ્રબળ માંગ કરી છે.

શહેરા તાલુકામાં ચાલુ વર્ષે ડાંગરનો પાક તૈયાર થઈને બજારમાં આવવાની શરૂઆત થતાં જ ભાવમાં ભારે કડાકો બોલાયો છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. અનાજના વેપારીઓને ત્યાં શરૂઆતના દિવસોમાં ડાંગરના સારા ભાવ મળ્યા બાદ અચાનક જ ભાવ નીચે ઉતરી જતાં ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ ખુલ્લા બજારમાં અનાજના વેપારીઓ દ્વારા ડાંગરની વિવિધ જાતોના ભાવ અત્યંત ઓછા આપવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરી ડાંગરનો ભાવ ₹૪૫૦, પરિમલનો ભાવ ₹૪૩૦ અને ગુજરાત ડાંગરનો ભાવ ₹૫૫૦ ની આસપાસ બોલાઈ રહ્યો છે. સીઝનની શરૂઆતમાં જ્યારે ખેડૂતોએ ડાંગર વેચવાનું શરૂ કર્યું ત્યારે ભાવ થોડા ઊંચા હતા, પરંતુ માંડ થોડા દિવસોમાં જ આ ભાવ ગગડીને તળિયે પહોંચી ગયા છે.આ અંગે પોતાના દુઃખ વ્યક્ત કરતા વિક્રમસિંહ પગી સહિતના સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, “હાલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો ડાંગરનો ટેકાનો ભાવ ₹૪૮૮ છે, જે મોંઘવારી અને ખેતીના ખર્ચ સામે બિલકુલ યોગ્ય નથી. બિયારણ, ખાતર, મજૂરી અને સિંચાઈના વધી ગયેલા ભાવ સામે આ ભાવ ખૂબ જ ઓછો પડે છે. ડાંગરની સરકારી ખરીદી ₹૮૦૦ થી ₹૧૦૦૦ભાવની  આશા ખેડૂતો દ્વારા રાખવામાં આવી રહી છે. ખેતરમાં રાત-દિવસ એક કરીને પકવેલો પાક ઘરમાં સાચવવાની કે સંગ્રહ કરવાની યોગ્ય સુવિધા ન હોવાને કારણે તેમજ આગામી ખેતી અને ઘરચલાવવા માટે નાણાંની તાકીદની જરૂરિયાત હોવાથી, ઘણા ખેડૂતો ના છૂટકે વેપારીઓને ત્યાં ઓછા ભાવે ડાંગર વેચવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ, અનાજના વેપારીઓનું પણ કહેવું છે કે બજારમાં ડાંગરના ભાવમાં સતત થતા ઉતાર-ચડાવ અને અનિશ્ચિતતાને કારણે તેઓ પણ મોટું જોખમ લઈ શકતા નથી અને મુશ્કેલી અનુભવી રહ્યા છે.

શહેરા તાલુકાના ખેડૂતો અત્યારે ભારે ચિંતામાં મુકાયા છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર આ ગંભીર મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લે,જો સમયસર યોગ્ય સમર્થન મૂલ્ય કે પોષણક્ષમ ભાવે સરકારી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં નહીં આવે, તો અન્નદાતા ગણાતા ખેડૂતો પાયમાલ થઈ જશે અને આગામી સમયમાં ખેતી પ્રત્યેનો તેમનો ઉત્સાહ પણ ઓસરી જશે, ખેડૂતોના હિતમાં તંત્ર દ્વારા વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવાય તેવી લોક માંગ ઉઠી  છે.