શહેરા બસ સ્ટેશનથી મુખ્ય બજારના રસ્તે ગટર ઉભરાતા ભારે હાલાકી : ગટરમાં કચરો ફેંકનારા સામે દંડાત્મક કાર્યવાહીની ઉઠી માંગ

શહેરા બસ સ્ટેશન વિસ્તારથી મુખ્ય બજાર તરફ જતાં રસ્તા પર આવેલી ગટર છાશવારે ઉભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગટર ચોકઅપ થવાને કારણે દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળે છે, જેનાથી વેપાર-ધંધા પર માઠી અસર પડી રહી છે. અમુક સમયે સ્થાનિક વેપારીઓએ જાતે જ ગટરમાંથી કચરો બહાર કાઢવો પડતો હોય છે.બગડેલા શાકભાજી તેમજ પ્લાસ્ટિક સહિતનો કચરો ખુલ્લી ગટરોમાં નાખવામાં આવતો હોવાના કારણે ગટર ચોકઅપ થઈને ઉભરાતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને ગટરમાં પ્લાસ્ટિક તેમજ શાકભાજીનો કચરો નાખનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જ‚રી બન્યું છે. ગટરના દૂષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી અહીંથી પસાર થતા રાહદારીઓને પણ અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે. વળી, ખુલ્લામાં વહેતા ગંદા પાણી અને દુર્ગંધને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ગંભીર ભય તોળાઈ રહ્યો છે.