સંતરામપુર ખાતેથી સવારે 4 કલાકે ઉપડતી શામળાજી સુધીની નવી બસ સેવા હાલ કોઈક કારણોસર એસ.ટી.વિભાગ દ્વારા બંધ કરી દેવાઈ છે. હમણાં થોડા દિવસો પહેલા જ આ નવી બસ ચાલુ કરવામાં આવી હતી.
સંતરામપુર ડેપોની લોકલ બસ સંતરામપુરથી નીકળી સવારના સમયે રૂટ પર આવતા કડાણા, દિવડા, મુનપુર, વેલણવાડા, ભાગલીયા, કોલંબી, ખાનપુર, બાકોર વાયા બાબલીયા, માલપુર થઈને મોડાસા, શામળાજી સુધી જાય છે. આ બસ સંતરામપુરથી નીકળી વચ્ચે આવેલા તમામ ગામોને આવરી લઈ શામળાજી સુધીના રૂટની બસ સુવિધા અતિ મહત્વની છે. જેથી કરીને મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ યાત્રાધામ શામળાજી જનાર યાત્રિઓ માટે આશિર્વાદ સમાન છે. પરંતુ આ એકમાત્ર બસ દરરોજ વહેલી સવારે આવતી હતી. હાલના સમયમાં અગમ્ય કારણોસર બસ સુવિધા બંધહોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મજુરો, કામે જનાર લોકો તેમજ શાળા, કોલેજમાં અભયાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને અને મુસાફર નાગરિકોને ખાનગી વાહનમાં જીવના જોખમે વધુ નાણાંકિય ભાર સહન કરીને જવુ પડે છે. અને સમયસર પોતાના રોજીંદા કામે પહોંચવામાં તકલીફ પડે છે.સ્થાનિક નાગરિકો અને મુસાફરોની માંગ છે કે, સંતરામપુરથી શામળાજી માર્ગ પર બસ સેવા શરૂ કરવામાં આવે તેમજ બસની સમય સુચી નિયમિત કરી તેમજ ધટતી કાર્યવાહી કરીને સંતરામપુરથી શામળાજી બસ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે.