સંજેલી તાલુકામાં ડાંગર સુકાતા કાલિયાહેલ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવા ખેડુતોની માંગ

સંજેલી તાલુકામાં ચોમાસાની શરૂ આતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ લાંબા સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સંજેલી તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદની શરૂ આતમાં ઋતુની જ ઉત્સાહભેર ખેડુતોએ ખેતરોમાં ડાંગર અને મકાઈ જેવા પાકોનુ વાવેતર કર્યુ હતુ.

સંજેલી તાલુકામાં ડાંગરનુ ૧૫૦૪ હેકટર, મકાઈ ૫૮૮૩ હેકટર, ૫૩૧ સોયાબીનનુ વાવેતર કરવામાં આવ્યુ છે. પણ પાણી વગર ખેતી નિષ્ફળ જવાની શકયતા જોવાઈ રહી છે. ત્યારબાદ ચોમાસાની સીઝન પુરી થવા આવી છતાં વરસાદે વિરામ લેતા પાક સુકાઈ જવાની આરે પહોંચ્યો છે. હાલ સ્થિતિ એ છે કે, કેનાલો પણ ખાલીખમ થઈ ગઈ છે અને સિંચાઈ માટે પુરતુ પાણી મળતુ નથી. જો આગામી દિવસોમાં વરસાદ ન પડે કે સિંચાઈ માટે પાણી ન મળે તો ખેડુતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. ચોમાસાની સીઝન હવે પુરી થવાને આરે છે ત્યારે કુદરતની રૂઠનથી ખેડુતો નિરાશ થયા છે. જો સમયસર સિંચાઈનુ પાણી નહિ મળે તો ઉભા પાક સંપુર્ણપણે નિષ્ફળ જવાની ભિતી છે.