સંખેડામાં સાંસદ ખેલ મહોત્સવ યોજાયો : સાંસદ જશુભાઈ રાઠવાએ રમતવીરોને સન્માનિત કર્યા, રમતગમતનું મહત્વ સમજાવ્યું

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ લીંબુ-ચમચી, રસ્સાખેંચ, યોગાસન, વોલીબોલ અને દોડ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જીલ્લાના સાંસદ જશુભાઈ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી, જીલ્લા પંચાયત સદસ્ય અરૂણાબેન તડવી, સંખેડા નાગરિક બેંકના ચેરમેન સંજયકુમાર દેસાઈ, સરપંચ નીતિનભાઈ શાહ, ભૌમિક દેસાઈ, નીરવભાઈ, આચાર્ય ચિરાગ શાહ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ જશુભાઈ રાઠવાએ પોતાના પ્રવચનમાં રમતગમતનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. તેમણે જીલ્લા, રાજ્ય અને નેશનલ કક્ષાએ મેડલ મેળવનાર શાળાના રમતવીરોનું શાબ્દિક સન્માન પણ કર્યું હતું. ત્યારબાદ શાળાના મેદાનમાં રિબન કાપીને ખેલ મહાકુંભ સ્પર્ધાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ શિસ્ત અને ઉત્સાહ સાથે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓને સાંસદ, જીલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને અન્ય મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ ઉપસ્થિતો માટે અલ્પાહારનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે આચાર્ય ચિરાગ શાહે તમામ મહાનુભાવો, મહેમાનો, આયોજકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.