સંજેલી તાલુકાના માંડલીથી જુસ્સા જસુણી થઈ સંતરામપુર તરફ જવાના મુખ્ય માર્ગ પર ડામરીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા ખાડાઓનુ પિચીંગ કે લેવલિંગ કર્યા વિના તેમજ રોડને મશીનથી સાફ કર્યા વિના સીધુ સર્ફેસિંગ કરી ડામર પાથરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહિશોએ રોડની કામગીરીનો વિરોધ કર્યો છે.
સંજેલી તાલુકાના માંડલીથી જુસ્સા જસુણી થઈ સંતરામપુર તરફ જવાના માર્ગ પર હાલમાં ચાલી રહેલી ડામરીંગની કામગીરીને લઈને સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોનો આક્ષેપ છે કે, કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડરના નિયમોને અવગણીને પુરતા પ્રમાણમાં મટીરીયલનો ઉપયોગ કર્યા વિના હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી, રસ્તાની સફાઈ કર્યા વિના ધુળ માટી પર જ ડામર પાથરી દેવાયો છે. જેને લઈ સ્થાનિક લોકોએ રસ્તાની કામગીરીનો વિરોધ કરી કામગીરી બંધ કરી દીધી હતી. રસ્તાની કામગીરી કરાતી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના કોઈ કર્મચારી કે અધિકારી દ્વારા સુપર વિઝન કરાતુ નહિ હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. છેલ્લા ધણા વર્ષોથી આ બિસ્માર રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયાહતા. ત્યારે આ રસ્તાનુ કામ શ કરાતા ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ રસ્તો ધોવાઈ જાય તેવી કામગીરી કરાઈ હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે. સાથે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી રસ્તાની કામગીરીની તપાસ કરવા પણ માંગ ઉઠી છે.