રિસીવીંગ અને ડિસ્પેચિંગની તાલીમમાં ગેરહાજર સંતરામપુરના ઝોનલ અધિકારી સામે ધરપકડ વોરંટ

સંતરામપુર તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી સંદર્ભે ગત તા.૨૨ના રોજ રિસીવીંગ અને ડિસ્પેચિંગની તાલીમ યોજાઈ હતી. જેમાં ઝોનલ ઓફિસર તરીકે નિમણુંક પામેલા અધિકારી ગેરહાજર રહેતા તેઓને હાજર રહેવા નોટિસ અપાઈ હતી. તેમ છતાં હાજર ન થતાં જિલ્લા ચુંટણી અધિકારીએ તેમની ધરપકડ માટે વોરંગ ઈશ્યુ કરતા ચકચાર મચી જવા પામી છે.

સંતરામપુર તાલુકા અને જિલ્લા પંચાયત ચુંટણી અંતર્ગત ગત તા.૨૨ના રોજ રીસીવિંગ ડિસ્પેચિંગની તાલીમ યોજાઈ હતી. જે અંતર્ગત ઝોનલ ઓફિસર તરીકે એ.વી.પરમારની નિમણુંક કરાઈ હતી.જેઓ તાલીમ દરમિયાન ગેરહાજર રહેતા તેઓને નોટિસ આપી હાજર રહેવા જણાવાયુ હતુ. છતાં તેઓએ નોટિસની પણ અવગણના કરી તાલીમમાં ગેેરહાજર રહ્યા હતા. જેથી જિલ્લા ચુંટણી અધિકારી, જિલ્લા પંચાયત મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સંતરામપુર દ્વારા એ.વી.પરમારની ધરપકડ માટે વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. જેને લઈને ચુંટણી જેવી અગત્યની કામગીરીમાં ગેરહાજર રહી અવગણના કરતા અધિકારી અને કર્મચારીઓમાં હડકંપ મચી ગયો છે.