સંજેલીની માંડલી તાલુકા પંચાયત બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાંખિય જંગના પરિણામ બાદ હિંસક દ્રશ્યો સર્જાયા હતા. ભાજપના ઉમેદવાર વિજયી થતાં કાર્યકર્તાઓ ડી.જે.ના તાલે રેલી કાઢી પરત ફરી રહ્યા હતા. ત્યારે પીછોડા લીમડા પાસે હરીફ ઉમેદવારના સમર્થકો સાથે સામસામે આવી જતાં ધર્ષણ થયુ હતુ.
જોતજોતામાં વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષે સામેસામે પથ્થરમારો શ કર્યો હતો. જેનાથી દોડધામ મચી જવા પામી હતી. આ અથડામણમાં બંને પક્ષના અનેક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારામાં રેલીમાં સામેલ ડી.જે.સિસ્ટમ અને વાહનોના કાચ ફુટ્યા હતા. જેનાથી મોટુ નુકસાન થયુ છે. ઈજાગ્રસ્તોને સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે દાહોદ અને મહિસાગર રિફર કરાયા છે. ધટનાની જાણ થતાં સંજેલી પોલીસે દોડી જઈ સ્થિતિ કાબુમાં લીધી હતી. હાલ પોલીસે હિંસા આચરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચુંટણી પરિણામો બાદ બનેલી આ ધટનાની પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.