લોકશાહીમાં મતાધિકાર એ જનતાનુ સોૈથી શક્તિશાળી શસ્ત્ર છે. પરંતુ જયારે આ શસ્ત્ર ‘નોટા’ તરીકે વપરાય ત્યારે તે સિસ્ટમ સામેનો મોૈન વિદ્રોહ ગણાય છે. દાહોદ શહેરમાં વર્ષ-૨૦૨૧ અને ૨૦૨૬ ની ચુંટણીના આંકડાઓની તુલના કરતા સ્પષ્ટ થાય છે. કે મતદારો હવે માત્ર મતદાન કરવા ખાતર મતદાન નથી કરતા, પણ ઉમેદવારની યોગ્યતાને કડક રીતે માપી રહ્યા છે.
દાહોદ પાલિકાની ચુંટણીમાં વર્ષ-૨૦૨૧ ની ચુંટણીમાં કુલ ૫૦૧ મતદારોએ તમામ ઉમેદવારોને નકારી કાઢ્યા હતા. જોકે ૫ વર્ષના શાસન બાદ ૨૦૨૬ માં આ આંકડો વધીને ૫૯૦ પર પહોંચ્યો છે. જે નોટાના મતદાનમાં સીધો ૧૭ ટકા વધારો સુચવે છે. સોૈથી ચોંકાવનારો બદલાવ વોર્ડ નં.-૧માં જોવા મળ્યો છે. જયાં નોટાના મતો ૫૮ થી વધીને ૯૫ થયા છે. આ ૬૩ ટકા ઉછળો સ્થાનિક નૈતૃત્વ સામે પ્રચંડ જનરોષ દર્શાવે છે. વિશેષ પે વોર્ડ નં.-૫/૭ માં મતદારોનો મિઝાજ નોંધપાત્ર રીતે બદલાયો છે. વોર્ડ નં.-૫માં ૨૦૨૧માં ૫૩ મતો નોટામાં હતા. જે વધીને ૭૭ થયા છે. જયારે વોર્ડ નં.-૭માં ૪૦ થી વધીને આ આંકડો ૭૨ પર પહોંચ્યો છે. આ બંને વોર્ડમાં વધેલી નારાજગી એ સંકેત આપે છે કે, ત્યાંના મતદારો વિકાસના કામો કે ઉમેદવારોના ચહેરાથી સંતુષ્ટ નથી. સામે પક્ષે વોર્ડ નં.-૨માં સુધારો જોવા મળ્યો છે. જયાં ૧૦૦ થી ધટીને આંકડો ૭૧ પર આવ્યો છે. નિષ્કર્ષ એ છે કે, ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીની આ સફરમાં જનતા વધુ જાગૃત થઈ છે. કુલ નોટા મતોમાં થયેલો વધારો લાલબત્તી સમાન છે. આ આંકડાઓ સાબિત કરે છે કે, જો ઉમેદવારો જનતાની અપેક્ષાઓ પર ખરા નહિ ઉતરે તો આગામી સમયમાં ‘નોટા’ લોકશાહીમાં નિર્ણાયક પરીબળ સાબિત થશે.