રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં આવેલી યુવતીએ સહેલીના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

ગુજરાતભરમાં ચાલી રહેલી પોલીસ ભરતીની દોડ પરીક્ષાની વચ્ચે રાજકોટમાં એક દૃુખદ ઘટના સામે આવી છે. દૃેવભૂમિ દ્વારકાના ભાટીયા ગામની ૨૧ વર્ષની યુવતી રીતુ દેવાભાઈ કાબરીયા દોડની પરીક્ષા આપવા માટે રાજકોટ આવી હતી, પરંતુ પરીક્ષા પૂર્વે જ તેણે બહેનપણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રીતુ આગામી ૨૬મી તારીખે રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનારી દોડની પરીક્ષા આપવા માટે શહેરમાં આવી હતી. તે મુંજકા ગામે રહેતી પોતાની બહેનપણી હીના રાઠોડના ઘરે રોકાઈ હતી. મોડી રાત્રે હીના કોઈ કામસર સંબંધીઓના ઘરે ગઈ હતી. સવારે પરત ફરતી વખતે દરવાજો અંદરથી બંધ હતો. અનેક વાર ખટખટાવ્યા છતાં પ્રતિસાદ ન મળતા પડોશીઓની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા રીતુ રૂમના પંખા સાથે ચુંદડી બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ રીતુ ત્રણ બહેનોમાં વચેટ હતી અને તેના પિતા ખેતીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. દોડની પરીક્ષા પૂર્વે આકસ્મિક પગલું કેમ ભરાયું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ વચ્ચે રાજકોટ જિલ્લામાં જ એક અલગ દૃુખદ બનાવ સામે આવ્યો છે. પારડી ગામની સહજાનંદ સોસાયટીમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો દિકરો આયુષ ઘરના આંગણામાં રમતો હતો ત્યારે નજીકના ભોં ટાંકામાં પડી જતાં બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે લોધીકા હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. પરિવાર માટે આ ઘટના આઘાતજનક સાબિત થઈ છે.