રાજકોટમાં મેરેજ બ્યુરોનાં ઓઠાં નીચે ચાલતાં કૂટણખાનામાં દરોડો

રાજકોટમાં મેરેજ બ્યુરોનાં ઓઠા નીચે ચાલતાં કૂટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએચટીયુની ટીમે પર્દાફાશ કરી મહિલા અને તેનાં પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત સ્પાનાં ઓઠા નીચે ધમધમતું વધુ એક કૂટણખાનું પણ ઝડપાયું છે. એએચટીયુની ટીમે એક જ દિવસમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી આ બંને કૂટણખાના ઝડપી લીધા હતા.

એએચટીયુનનાં પીઆઈ પી.એન. પઢીયારે મળેલી બાતમીનાં આધારે ગઇકાલે વિરાણી ચોક પાસે ગુરુરક્ષા કોમ્પ્લેક્ષની ઓફિસ નંબર ૨૦૭માં શ્રી મેરેજ બ્યુરોમાં દરોડો પાડી ત્યાંથી કૂટણખાનું ઝડપી લીધું હતું. તેનાં સંચાલિકા જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતન પૂજારા (ઉ.વ.૫૧, રહે. શારદા એપાર્ટમેન્ટ, કોઠારિયા રોડ) અને તેના પુત્ર મિત (ઉ.વ.૨૨)ની અટકાયત કરી હતી.

શ્રી મેરેજ બ્યુરોની એક ઓફિસને બે ભાગમાં વહેંચી દેવાઇ હતી. એક ભાગમાં લગ્નવાંચ્છુઓ સાથે મીટિંગ કરાતી હતી. બીજી ઓફિસમાં સેક્સ રેકેટ ચલાવાતું હતું. સ્થળ પરથી ગુજરાતની એક રૂપલલના મળી આવી હતી. જેની પાસેથી દેહવિક્રય કરાવાતો હતો. ગ્રાહક પાસેથી રૂ. ૧૫૦૦ વસૂલ કરી તેને રૂ. ૧ હજાર આપી બાકીનાં રૂ. ૫૦૦ સંચાલકો પોતે રાખી લેતાં હતાં.

એએચટીયુની ટીમને વધુ તપાસમાં જાણવા મળ્યું કે, જયશ્રી ઉર્ફે મીનાબેન છેલ્લા બે વર્ષથી મેરેજ બ્યુરો ચલાવતા હતા. ગઇકાલે જ્યાં દરોડો પડયો ત્યાં છ માસ પહેલા જ ઓફિસ ભાડે રાખી હતી. કોઇ લગ્નવાંચ્છુ આવે તો તેનો બાયોડેટા મેળવી, ક્્યા કારણથી લગ્ન નથી થતા તે સહિતની માહિતી મેળવી લેતા હતાં. સાથોસાથ પોતાની ફી પણ જણાવતા હતા.

જા લગ્નવાંચ્છુ શોખીન કે રંગીનમિજાજી જણાય તો તેને ‘સેક્સ’ની ઓફર કરતાં હતાં. જો હા પાડે તો પૈસા લઇ બાજુની ઓફિસમાં રૂપલલના સાથે રંગરેલિયા મનાવવા મોકલી દેતા હતા. જો કે છેલ્લા બે વર્ષમાં એકપણ લગ્નવાંચ્છુની સગાઇ કે લગ્ન કરાવ્યા ન હતા કે કરાવી શક્્યા ન હતા. મુખ્યત્વે આરોપી મિત જ રૂપલલના અંગે લગ્નવાંચ્છુ સાથે વાતચીત કરી ‘ડીલ’ કરતો હતો.

બીજા દરોડો શહેરની મધ્યમાં મહિલા કોલેજ ખાતેનાં કોસ્મો કોમ્પ્લેક્ષનાં પાંચમાં માળે સ્થિત ફલોરેન્સ વેલનેસ સ્પામાં પાડયો હતો. જ્યાંથી સંચાલક મૂળ રાજસ્થાનનાં ગણેશ લક્ષ્મણજી મીના (ઉ.વ.૨૩)ની અટકાયત કરી હતી.

દિલ્હી, યુપી અને ગુજરાતની ત્રણ રૂપલલના પાસે દેહવિક્રય કરાવતો હતો. ગ્રાહક પાસેથી એન્ટ્રી ફીનાં નામે રૂ ૧ હજાર વસૂલી એકસ્ટ્રા સર્વિસનાં નામે બીજા રૂ. ૨૫૦૦ વસૂલ કરતો હતો. તેમાંથી રૂ. ૧૫૦૦ પોતે રાખી બાકીનાં રૂ. ૧ હજાર રૂપલલનાને આપતો હતો. છેલ્લા પાંચ માસથી કૂટણખાનું ચલાવતો હોવા છતાં સ્થાનિક પોલીસને ગંધ આવી ન હતી.