
રાજકોટમાં કોર્પોરેટરના પગાર વધારાના વિવાદ પર ભાજપમાં ભડકો, સાંસદ- શહેર પ્રમુખ સામસામે
રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટરોના માનદ વેતન વધારવાના પ્રસ્તાવને કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. ગણેશ સ્થાપનાના કાર્યક્રમમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. સાંસદ પરષોત્તમ રૂપાલા અને શહેર ભાજપ પ્રમુખે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.રાજકોટ શહેર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી હતી જેમાં સાંસદ પરષોત્તમ રૂપાલા, મેયર અને શહેર પ્રમુખ હાજર રહ્યા હતા પરંતુ ચર્ચા ગણપતિ કરતા કોર્પોરેટરના પગાર વધારાની વધુ થઇ હતી. કેટલાક કોર્પોરેટરોએ પોતાનું માનદ વેતન વધારવા માંગ કરી હતી. આ વાત જાહેર થતા જ જનતામાં રોષ જાવા મળ્યો હતો કે, જનસેવા માટે આવેલા કોર્પોરેટરોને પગાર વધારામાં રસ છે.
આ વિવાદ પર સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે, “દાદા બધાનું ભલું કરે અને દાદા બધાને સંમતિ આપે તેવી પ્રાર્થના કરીએ.” રૂપાલાના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં પગાર વધારાની માંગ કરનારા કોર્પોરેટરોને સંમતિની સલાહ તરીકે જાવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ આ વિવાદથી પાર્ટીને દૂર કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,”મારા ધ્યાન પર આ વાત આવતા જ મેં યોગ્ય જગ્યાએ વાત કરી છે અને મેયર સાથે પણ ચર્ચા કરી છે. માનદ વેતન વધારવાની વાત તે કોર્પોરેટરનો વ્યક્તિગત મત છે, પાર્ટીનો કોઈ મત નથી. પાર્ટી આવા કોઈ વધારાના પક્ષમાં નથી.”ડો. દવેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ હાઈકમાન્ડ આ પગાર વધારાના પ્રસ્તાવથી નારાજ છે અને તેને સમર્થન નથી આપતું. હવે જાવાનું એ રહેશે કે વિવાદ બાદ કોર્પોરેટરો પોતાની માંગ પાછી ખેંચે છે કે કેમ.