પાવાગઢ કાલિકા માતાજી મંદિર ચંદ્રગ્રહણને લઈને મંદિર બંધ:આજે દર્શન બંધ રહેશે , 4 માર્ચથી નિયમિત સમય શરૂ થશે

પંચમહાલના યાત્રાધામ પાવાગઢ સ્થિત શ્રી કાલિકા માતાજી મંદિર ચંદ્રગ્રહણને કારણે 3 માર્ચ, 2026ના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. વિક્રમ સંવત 2082 ફાગણ સુદ પૂનમના રોજ આવેલા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, ૩ માર્ચના રોજ સવારે 5:00 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા સુધી જ મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન મંદિર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.ટ્રસ્ટે જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ અને તેના સૂતક કાળને ધ્યાનમાં રાખીને ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

મંદિર ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે કે 4 માર્ચ, 2026, બુધવારથી મંદિરના આરતી અને દર્શનનો નિયમિત સમય ફરીથી શરૂ કરવામાં આવશે. તમામ ભક્તોને આ સમયસૂચનાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.