પાવાગઢની તળેટીમાં બાયપાસ રોડ પર માંડવી ગામ પાસે દોડતી સ્વિફટ ડિઝાયર કારમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્ભાગ્યે આ ધટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો લીધો હતો.
પાવાગઢ બાયપાસ રોડ પર માંડવી ગામ પાસેથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગવાની ધટના બની હતી. કારમાંથી ધુમાડો અને આગની જવાળાઓ ઉઠતા જ આસપાસના લોકો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. કારમાં સવાર કાર ચાલક સમય સુચકતા વાપરી તાત્કાલિક કારને રસ્તાની બાજુમાં ઉભી રાખી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ આગે વિકરાળ સ્વપ ધારણ કરતા થોડા સમય માટે રોડ પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અન્ય વાહનચાલકોએ આગ બુઝાવવા માટે પ્રયાસો હાથ ધર્યા બાદ બનાવની જાણ હાલોલ ફાયરબિગ્રેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.