પાવાગઢમાં રાત્રિના સમયે રેવાપથથી મંદિર સુધી પગથિયાં માર્ગે પ્રતિબંધ:ચોમાસામાં યાત્રાળુઓની સુરક્ષા માટે ૨ મહિનાનો નિર્ણય

પંચમહાલ જીલ્લા તંત્રએ ચોમાસાની ઋતુ દરમિયાન પાવાગઢ ડુંગર પર યાત્રાળુઓની સલામતી માટે મહત્વનો જાહેર હુકમ બહાર પાડ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે. જે. પટેલ (જી.એ.એસ.) દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ૭ જુલાઈ, ૨૦૨૬ થી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી એટલે કે ૨ મહિના માટે દરરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી સવારે ૪:૦૦ વાગ્યા સુધી માંચીથી મહાકાળી માતાના મંદિર સુધીના પગથિયાં માર્ગે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ચોમાસામાં વરસાદને કારણે ડુંગર પરથી ભેખડ અને પથ્થરો પડવાનું જોખમ છે. તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન ભેખડ તૂટી પડવાની ઘટનામાં પદયાત્રીઓને જાનહાનિ અને ઈજા પહોંચી હતી. રાત્રિના સમયે યાત્રાળુઓની ઓછી અવરજવર, અપૂરતો પ્રકાશ, મોબાઇલ નેટવર્ક અને પબ્લિક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓના અભાવને કારણે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પંચમહાલના પોલીસ અધિક્ષક દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તના આધારે જીલ્લા વહીવટી તંત્રએ સલામતીના હિતમાં આ નિર્ણય લીધો છે. આ હુકમનો અમલ કરાવવા અને તેની વ્યાપક પ્રસિદ્ધિ કરવા માટે પોલીસ વિભાગને પણ સૂચનાઓ આપવામાં આવી છે.

જાહેર હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મંદિર ટ્રસ્ટના સભ્યો, ટ્રસ્ટીઓ તેમજ મંદિરના પૂજારીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જીલ્લા તંત્રએ ભાવિકોને અપીલ કરી છે કે, તેઓ ચોમાસા દરમિયાન પોતાની સલામતીને પ્રાથમિકતા આપે અને જાહેર હુકમનું પાલન કરીને પ્રતિબંધિત સમયગાળા દરમિયાન પગથિયાં માર્ગનો ઉપયોગ કરવાનું ટાળે.