
ચોમાસુ જામ્યું; ખાનપુરમાં ૪ ઇંચ, ગોધરા-દાહોદ અને કોઠંબામાં બે ઇંચ, વરસાદી માહોલમાં તાપમાન ગગડ્યું.
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ નોંધાયો છે. મહીસાગરના ખાનપુરમાં સૌથી વધુ ૪ ઇંચ (૯૮ મીમી) જ્યારે દાહોદ તાલુકામાં બપોરે ૨ થી ૬ દરમિયાન પોણા બે ઇંચ (૪૬ મીમી) વરસાદ ખાબક્યો હતો.
પંચમહાલના ગોધરા અને કોઠંબામાં પણ પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. આ અતિવૃષ્ટિથી તાપમાનનો પારો ગગડીને ૨૭ ડિગ્રીએ પહોંચતાં અસહ્ય બફારામાંથી મુક્તિ મળી છે. જોકે, નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે ૧૧ જુલાઈ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલમાં ચોમાસાએ જમાવટ કરી હતી. મંગળવારે વહેલી સવારે વિજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. જીલ્લામાં સાંવત્રિક વરસાદ પડતા ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા. ગોધરાના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.જયારે કલેકટર કચેરી પાસે રોડ બેસી જતા મોટો ભુવો પડી ગયો હતો.
મહિસાગર જીલ્લામાં વહેલી સવારે વરસાદ તોફાની આગમન કર્યુ હતું. જેમાં ખાનપુર તાલુકામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે તાપમાનનો પારો ગગડીને ૨૭ ડીગ્રી સુધી પહોચતાં ઠંડક પ્રસરી ગઇ હતી.
દાહોદ જીલ્લામાં સાંજે ૬ વાગ્યા સુધીમાં દાહોદમાં ૪૬ મીમી નોંધાયો હતો. જયારે અન્ય તાલુકામાં વાદળિયા માહોલમાં છૂટા છવાયો વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદના કારણે દાહોદ શહેરના દર્પણ ટોકીઝ રોડ સહિતના અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં દુકાનદારો, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
૧૧ જુલાઇ સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ૮થી ૧૧ જુલાઈ દરમિયાન જીલ્લામાં ગાજવીજ, વીજચમકારા અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને બુધવારે ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. જોકે ૧૨ અને ૧૩ જુલાઈએ વરસાદનું જોર ઘટી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પંચમહાલ- મહીસાગર જીલ્લાનાવરસાદના આંકડા મહીસાગર જીલ્લામાં ખાનપુર ૯૮ મી.મી, કોઠંબામાં ૪૯ મિમી, વિરપુરમાં૩૮ મિમી, કડાણામાં ૩૫ મિમી, લુણાવાડામાં ૨૯ મિમી, સંતરામપુરમાં ૨૪મી.મી, બાલાસિનોરમાં ૨૧ મિમી અને ગોધરમાં ૯ મિમી વરસાદ નોંધાયોહતો. જયારે પંચમહાલ જીલ્લાના શહેરા ૧૦ મિમી, મોરવા(હ)૧૧ મિમી,ગોધરા ૪૩ મિમી, કાલોલ ૨૧ મિમી, ઘોઘંબા ૩૭ મિમી, હાલોલ ૩૪ મિમીતથા જાંબુઘોડા ૪૧ મિમી વરસાદ નોંધાયો હતો.