પાવાગઢમાં ધોધમાર વરસાદ : માંચી-મહાકાળી મંદિર માર્ગ બંધ કરાશે

ડુંગર ધુમ્મસની ચાદરમાં લપેટાયો, યાત્રાળુઓ રેઈનકોટ પહેરી દર્શન કરવા પહોંચ્યા.

પંચમહાલ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર થયા બાદ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી ધોધમાર વરસાદ શ‚ થયો છે. સતત વરસાદને કારણે સમગ્ર પાવાગઢ ડુંગર ધુમ્મસ અને વરસાદની ચાદરમાં લપેટાઈ ગયો હતો. કેટલાક યાત્રાળુઓ રેઈનકોટ પહેરીને માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.

ભારે વરસાદને પગલે યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં, જો વધુ વરસાદ પડશે તો માચીથી મહાકાળી મંદિર સુધીનો માર્ગ બંધ કરવામાં આવી શકે છે. સતત વરસાદ અને લપસણા માર્ગને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જીલ્લા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પંચમહાલના અનેક વિસ્તારોમાં મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ શ‚ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જીલ્લા તંત્ર દ્વારા સંયુક્ત અપીલ કરીને આગામી બે દિવસ સુધી પાવાગઢની યાત્રા ટાળવા વિનંતી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો.

જીલ્લા તંત્રે આજે અને આવતીકાલે જ‚રી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

સતત વરસાદને કારણે પાવાગઢ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધી શકે છે, જેને લઈને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા તથા કોઈપણ અફવા પર વિશ્ર્વાસ ન કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.