પાવાગઢમાં ગુરૂ પૂર્ણિમાએ ભક્તોની ભારે ભીડ પરિસરમાં ગરબા રમી આસ્થા વ્યક્ત કરી

ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજ્યના વિવિધ જીલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતા મહાકાળીના દર્શન કરવા વહેલી સવારથી જ પાવાગઢ પહોંચ્યા હતા. સમગ્ર ડુંગર અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં છવાઈ ગયું હતું.

મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી યાત્રાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય માતાજી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો.

વહેલી સવારથી પાવાગઢ ડુંગર પર ધુમ્મસભર્યું અને મનમોહક વાતાવરણ હતું. ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે ભક્તોએ ઉત્સાહપૂર્વક ડુંગર ચઢી માતા મહાકાળીના દર્શન કર્યા હતા. અનેક શ્રદ્ધાળુઓએ મંદિર પરિસરમાં ભક્તિભાવ સાથે ગરબા રમી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ભારે ભીડને ધ્યાનમાં રાખીને જીલ્લા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિર પરિસર, રોપ-વે વિસ્તાર તેમજ ડુંગર પરના મુખ્ય માર્ગો પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. યાત્રાળુઓને સરળતાથી દર્શનનો લાભ મળે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.