
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકામાં રણભૂન ઘાટીથી શિથોલ ગામને જોડતો સ્ટેટ આર એન્ડ બી વિભાગ હસ્તકનો માર્ગ ભારે રેતી ભરેલા ડમ્પરો અને ટ્રકોની દિવસ-રાત સતત અવરજવરથી માત્ર છ માસમાં જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.
માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ રહેતાં અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રેતીના ઓવરલોડ ડમ્પરો ક્ષમતા કરતાં વધુ વજન લઈને બેફામ દોડતા હોવાથી નવા બનાવાયેલા માર્ગની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે.
અનેક સ્થળોએ ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો છે અને ઈંટ જેટલા મોટા ખાડા સર્જાતા નાના-મોટા અકસ્માતોની શક્યતા વધી ગઈ છે. ભારે વાહનોના કારણે ગ્રામજનોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, માર્ગની ખરાબ હાલત અંગે અનેક વખત સંબંધિત વિભાગ અને તંત્રને રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવવાની, ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની તેઓએ ઉગ્ર માંગ કરી છે.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે, જો રેતીના ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અને માર્ગનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં માર્ગ પર ચક્કાજામ આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ અને તંત્રની રહેશે. હાલ સમગ્ર વિસ્તારમાં માર્ગની દુર્દશાને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.