
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. હવામાન વિભાગ દ્વારા 30 જુલાઈ ના દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે સંભવિત આપત્તિનો સામનો કરવા NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
બોડેલી ખાતે NDRFની 30 જવાનોની ટીમ બોટ સહિતના સાધનો સાથે પહોંચી ગઈ છે. આ ટીમને નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
NDRFના અધિકારીઓએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને, પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને નદી, નાળા કે પાણીના પ્રવાહવાળા કોઝવેને પાર ન કરવા સૂચના અપાઈ છે.
આ ઉપરાંત, ભારે વરસાદ દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. લોકોને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.