
પંચમહાલ જીલ્લાની જીવા દોરી સમાન પાનમ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ૧૪,૩૭૮ ક્યુસેક નવા પાણીની આવક થતાં જળસપાટી ૧૨૩.૪૫ મીટરે પહોંચી હતી.

શહેરા સહિત સમગ્ર જીલ્લામાં મેઘરાજાની મહેર થતાં સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદી માહોલને પગલે પ્રજાજનોને ગરમીથી રાહત મળી હતી, તો બીજી તરફ ખેતીલાયક વરસાદ થતાં પંથકના ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદથી જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં પણ મોટા પ્રમાણમાં નવા પાણીના નીર આવ્યા હતા. જળાશયમાં ૧૪,૩૭૮ ક્યુસેક નવા પાણીની જંગી આવક નોંધાઈ હતી. સતત થઈ રહેલી આવકના કારણે ડેમની જળસપાટીમાં ધરખમ વધારો જોવા મળવા સાથે વોટર લેવલ ૧૨૩.૪૫ મીટર પર પહોંચ્યુ હતું, જ્યારે ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે.ચોમાસાની આ મોસમમાં પાનમ ડેમમાં પાણીનો વિપુલ જથ્થો ઉમેરાતાં આગામી સમયમાં પીવાના તેમજ સિંચાઈ માટે તકલીફ પડશે નહી.
