
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઘોઘંબા તાલુકાના રવેરી ગામેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ ફરાસખાનાના સામાનની આડમાં લઈ જવામાં આવી રહ્યો હતો.
પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતની સૂચનાથી પ્રોહિબિશન પ્રવૃત્તિઓ ડામવા માટે LCB PI એન.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ એક ટીમ કાર્યરત હતી. PSI આર.એન. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે રવેરી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન, GJ-01-DT-4874 નંબરની ટાટા એસી ગાડીમાંથી મંડપના સામાન નીચે અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ રૂ. 3,80,856/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 3,71,856/- ની કિંમતના 456 ટીન બિયર અને 2000 નંગ વિદેશી દારૂના ક્વાર્ટરિયા, રૂ. 2,00,000/- ની ટાટા એસી ગાડી અને મંડપનો સામાન (ટેબલ, ખુરશી, લોખંડની સીડી અને પાઇપો) નો સમાવેશ થાય છે.
પોલીસે આ કેસમાં મુકેશ ઉર્ફે મુકો રમેશભાઈ પટેલ (રહે. વણાંકપુર, હાલ રહે. વેજલપુર) નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઓપરેશનમાં LCB PSI આર.એન. પટેલ, દિગ્પાલસિંહ, કેહજીભાઈ, કિર્તનકુમાર અને શૈલેષકુમાર સહિતના પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.