
પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીની ગેરરીતિનો મોટો મામલો પ્રકાશમાં આવતા પ્રશાસનમાં હલચલ મચી ગઈ છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિઓ બાદ તંત્રએ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરીને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીના આદેશ જારી કર્યા છે.
સમગ્ર ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે અર્જુન મેઘવાલનો એક વિડિઓ મોટી સંખ્યામાં સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થયો. વિડિઓમાં તેઓ સ્વયં સ્વીકાર કરતા જોવા મળે છે કે તેમણે કણજીપાણી ગ્રામ પંચાયત મારફતે એક જ વર્ષમાં લગભગ 2000 જેટલા લગ્નોની નોંધણી કરી હતી. ઉપરાંત, દરેક નોંધણી દીઠ આશરે ₹2500 જેટલી રકમ લેતા હતા, જેના આધારે તેમણે લગભગ ₹50 લાખ જેટલી કમાણી કરી હોવાનો દાવો પણ વિડિયો દરમિયાન કર્યો હતો. આ કમાણી દ્વારા રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની સ્વીકારોક્તિએ સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી છે.
પટેલ સમાજના એસપીજીના આગેવાન લાલજી પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાંથી લોકો કણજીપાણી ગામે આવીને લગ્ન નોંધણી કરાવતા હતા. તલાટી દ્વારા નિયમોને અવગણીને બિનપ્રદેશી દંપતીઓના લગ્ન પણ નોંધાતા હોવાથી આ મામલે ભારે અનિયમિતતા સર્જાઈ હતી. રાજ્ય સરકારે લગ્ન નોંધણી માટે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે, છતાં તલાટીએ તે નિયમોને અવગણીને મોટાપાયે રકમ વસૂલ કરીને ગેરકાયદેસર રીતે નોંધણીઓ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મામલો મીડિયામાં આવતાં જ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક નોંધ લીધી હતી. પ્રારંભિક તપાસમાં તલાટી સામે ગંભીર અનિયમિતતાઓની આશંકા ઉભી થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ માટે હાઈ લેવલની ઇન્કવાયરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક સ્તરે આ મામલે ભારે ચર્ચા છે. ગ્રામજનો અને સામાજિક આગેવાનોની રજૂઆતો બાદ પ્રશાસન પર કાર્યવાહીનો દબાણ વધ્યો હતો. સરકારની મહત્વની સેવા જેવા કે લગ્ન નોંધણીમાં ગેરરીતિ થવાથી વિશ્વસનીયતા પર અસર પડે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્રએ ઝડપથી પગલા ભર્યા છે.
હાલમાં તપાસ શરૂ થઈ ગઈ છે અને આગળના દિવસોમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે. તંત્ર આ સમગ્ર કેસને ઉંડાણપૂર્વક તપાસી રહ્યુ છે કે ગેરરીતિમાં કોઈ અન્ય અધિકારી અથવા મધ્યસ્થી સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે.