
-વર્ષ ૨૦૨૨ બાદ પંચમહાલ જીલ્લામાં ગુજસી ટોકનો બીજો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પંચમહાલ જીલ્લામાં ગૌવંશની તસ્કરી અને ગેરકાયદેસર કતલના સંગઠિત રેકેટ સામે પંચમહાલ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષોથી સક્રિય કહેવાતી “ભોપલી ગેંગ” સામે હવે ગુજરાતના કડક ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાતા જીલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
પંચમહાલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમયથી ગૌવંશની ચોરી, હેરાફેરી, ગેરકાયદેસર કતલ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ટોળકી અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેંગ સામે અગાઉ કુલ ૧૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. રેન્જ ડીઆઈજીની મંજૂરી બાદ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર ગેંગ ૬ આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨ બાદ પંચમહાલ જીલ્લામાં ગુજસી ટોકનો બીજો ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમોના ફફડાટ ફેલાયો છે. ગુનો નોંધાતાં જ પોલીસે તાત્કાલિક ઓપરેશન ચલાવી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ૩ આરોપીઓ પૈકી ૨ આરોપી રાજપીપળા સબજેલ અને ૧ આરોપી ગોધરા સબજેલ ખાતે હોય તમામ ૩ આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય ફરાર આરોપી સુફિયાન મહેબુબખાન પઠાણ ઉર્ફે આતડિયોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એહમદ હુસેન સિદ્દીક વસ્કા ઉર્ફે મોહસીન પૌવા અને સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટોની ધરપકડ કરી છે. જ્યારે ઇમ્તિયાઝ અબ્દુલહમીદ સુરતી ઉર્ફે ભોપલી, અલમાસ કાસીમ મીઠા ઉર્ફે અલ્લુબોય, હુલઅમીન રજ્જાક દુર્વેશ ઉર્ફે ટીપને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવાની તેમજ સુફિયાન મહેબુબખાન પઠાણ ઉર્ફે આતડિયો સહિતના આરોપીને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી ચાલુ છે.