પંચમહાલ જીલ્લાના શહેરા અને મોરવા(હ) તાલુકામાં ચાંદીપૂરા વાયરસના શંકાસ્પદ ૩ નવા કેસ નોંધાયા

પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહ્યો છે. જીલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ ૩ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં શનિવારે ૧ અને રવિવારે ૨ કેસ નોંધાયા છે. આ નવા કેસો ઉમેરાતાની સાથે જ જીલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓનો કુલ આંકડો ૨૩ પર પહોંચી ગયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

નવા નોંધાયેલા કેસની વિગત : નવા નોંધાયેલા ૩ કેસોમાં તમામ દર્દીઓ માસૂમ બાળકો છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે:

શહેરા તાલુકો: ગમન બારિયા ના મુવાડા ગામના ૨ વર્ષના બાળકમાં લક્ષણો દેખાતા વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

મોરવા હડફ તાલુકો: ગાજીપુર ગામની ૪ વર્ષની બાળકી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હાલોલ તાલુકો: કંજરી ગામની ૨ વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

હાલ સારવાર હેઠળના ૮ બાળકોમાંથી ૪ બાળકો ગોધરા અને ૪ બાળકો વડોદરાની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૧૦ બાળકો સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

તાલુકાવાર કેસોની સ્થિતિ

તંત્ર એક્શન મોડમાં: સર્વેલન્સ કામગીરી તેજ : વધતા જતા કેસોને પગલે પંચમહાલ જીલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસગ્રસ્ત અને પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગ તેમજ સઘન સર્વેલન્સની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને નાના બાળકોની વિશેષ સંભાળ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.