નસવાડીના સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રા.શાળામાં ધો.-૧ થી ૫ ના વર્ગો ચાલે છે. જેમાં બે શિક્ષકો ૫ બાળકોને ભણાવે છે. શાળાનુ મકાન જર્જરિત હોવાથી પ્રા.શાળા શિવ મંદિરના હોલમાં ચાલે છે. શાળામાં ફરજ બજાવતા બંને મહિલા કર્મચારી વચ્ચે છેલ્લા એક વર્ષથી અણબનાવ ચાલ્યા કરે છે.
સ્ટેશન વિસ્તારની પ્રા.શાળામાં ફરજ બજાવતા મહિલા આચાર્ય પંડ્યા હેતલબેન શેૈલેષભાઈના જણાવ્યા અનુસાર પ્રા.શાળામાં સાથી કર્મચારી તરીકે ફરજ બજાવતા ગીતાબેન ભાઈલાલભાઈ ચોૈહાણને પેપરની કામગીરી કરવા અને પેપર લેવા માટે સુચના આપતા તેઓ રોષે ભરાયા હતા. તે બાદ મહિલા શિક્ષિકાએ શાળાના આચાર્યને બે લાફા મારી દેતા શાળામાં હોબાળો મચ્યો હતો. સ્ટેશન વિસ્તારની પ્રા.શાળાના આચાર્ય દ્વારા નસવાડી પોલીસને જાણ કરતા નસવાડી પોલીસ મહિલા કર્મચારીઓ સાથે શાળામાં પહોંચી લાફા મારનાર શિક્ષિકાને પોલીસની ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી. આચાર્યના જણાવ્યા મુજબ આ મહિલા કર્મચારી પ્રા.શાળામાં નોકરી કરવા માટે આવે છે અને શાળામાં ઉંઘી જાય છે. બાળકો સામે જોઈને હસ્યા કરે છે. જેના કારણે બાળકોને આ શિક્ષકથી ડર લાગે છે. આ અંગે અમે અનેક વખત તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરી છે. મગજનુ સંતુલન ગુમાવી દેતા હોવાથી શાળામાં ડરનો માહોલ ઉભો થાય છે. અને મારા પર હુમલો થયો છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવા હું પોલીસ સ્ટેશન જવા માંગુ છુ. પોલીસ મહિલા કર્મચારીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને આચાર્યની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે.