નર્મદાના સાગબારામાં મેઘરાજાની સટાસટી:નદી-નાળાઓ છલકાતા પૂર જેવી સ્થિતિ, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આજે 24 જૂન અમદાવાદ સહિતના 13 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. સૌરાષ્ટ્ર-મ.ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ગીર સોમનાથ, વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં પ્રવેશી ગયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

સાગબારામાં નદી-નાળા છલકાયા નર્મદા જિલ્લાના 6 તાલુકામાંથી સાગબારા તાલુકામાં 23 જૂને મધરાત્રીથી ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારની નદી નાળાઓ છલકાયા છે. એ સાથે જ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી આજે 24 જૂને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ રાજ્યમાં નોંધાયેલા તાજેતરના વરસાદી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લો મોખરે રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત, ડાંગ જિલ્લાના આહવા-ડાંગમાં 3.07 ઇંચ અને તાપીના ઉકાઈમાં 1.1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સુરત (માંડવી, અરેઠ, માંગરોળ, ઉમરપાડા) અને નવસારી (ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર) ના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં સ્વરૂપે સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ બીજી તરફ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સારી હાજરી જોવા મળી છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે, જ્યારે કોટડા સાંગાણીમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો છે.

નર્મદાના સાગબારામાં 0.75 ઇંચ તેમજ પંચમહાલના જાંબુઘોડા અને છોટા ઉદેપુરના કવાંટમાં સરખો એટલે કે 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય બોટાદ, રાણપુર, અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં 0.04 ઇંચથી લઈને 0.31 ઇંચ સુધીના હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

રાજકોટ 40.5°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર ગુજરાતમાં ગરમીની વાત કરીએ તો રાજકોટ 40.5°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તેના પછી અમદાવાદ 40.4°C અને સુરેન્દ્રનગર 40°C તાપમાન સાથે કાળઝાળ ગરમી નોંધાઈ હતી. આ સિવાય ડીસામાં 39.6°C, વડોદરામાં 38.6°C અને ભુજમાં 38°C તાપમાન નોંધાતા ગરમીનો અહેસાસ ને ઉકળાટ થયો હતો, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની સાથે એકથી બે વખત વરસાદી ઝાપટાં અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે આવતીકાલે 25 જૂને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.