નગરપાલિકાની લાલ આંખ : ગોધરા રોડ પર આવેલી રજવાડી ચાની દુકાન સીલ, દંડ ફટકારાયો

નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ઉચ્ચ ટીમે રાત્રિ દરમિયાન અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.

દાહોદ શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. ગોપરા રોડ ખાતે આવેલી જાણીતી રજવાડી ચા’ની દુકાનમાં ગંદકી અને અસ્વચ્છતા અંગે વારંવાર ફરિયાદો મળતાં નગરપાલિકા તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગોધરા રોડ પર આવેલી રજવાડી ચા ની દુકાન સામે સ્વચ્છતાના અભાવ અંગે સ્થાનિકો અને ગ્રાહકો તરફથી સતત રજૂઆતો મળી રહી હતી. જેને ધ્યાને રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ઉચ્ચ ટીમે રાત્રિ દરમિયાન અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.તપાસ દરમિયાન દુકાનમાં ભારે અસ્વચ્છતા જોવા મળતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વેપારી સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દુકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું. નગરપાલિકાની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય વેપારીઓમાં ફાળચોડ વ્યાપી ગઈ છે. નગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર કે અસ્વચ્છતા રાખનાર કોઈ પણ વેપારીને બક્ષવામાં આવશે નહીં.