મસાલા મિલના માલિક સાથે કરોડોની છેતરપિંડી; એકાઉન્ટન્ટે ખોટા બિલો બનાવી ૧૪ કરોડની ઉચાપત કરી

વડોદરામાં વિશ્વાસઘાત અને કરોડોની ઉંચાપતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મસાલા મિલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપનીના માલિક સાથે રૂ. ૧૪.૦૯ કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી એકાઉન્ટન્ટની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, આરોપી રાકેશ પરમાર એક નામી મસાલા કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. રાકેશને શેરબજારમાં રોકાણ કરવાનો ભારે શોખ હતો, પરંતુ નસીબે સાથ ન આપતા તેને અંદાજે ૮ કરોડ રૂપિયાનું મોટું નુકસાન ગયું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેણે પોતાના જ માલિક સાથે દગો કરવાનું કાવતરું ઘડ્યું હતું.

તપાસમાં બહાર આવ્યું છે કે રાકેશ પરમારે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ દરમિયાન ખૂબ જ ચાલાકીપૂર્વક આ આર્થિક ગુનાને અંજામ આપ્યો હતો. તેણે કંપનીના નામે ખોટા બિલો બનાવીને માલિકની જાણ બહાર ધીરે-ધીરે કુલ ૧૪.૦૯ કરોડ રૂપિયા સેરવી લીધા હતા. આટલી મોટી રકમની ઉંચાપત કરનાર આ ભેજાબાજ રાકેશ માત્ર ધોરણ ૧૦ પાસ છે, છતાં તેણે એકાઉન્ટીગમાં રહેલી લૂપહોલ્સનો ઉપયોગ કરી આ કૌભાંડ આચર્યું હતું.

કંપનીના હિસાબમાં મોટી ગરબડ જણાતા આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ અને ડોક્યુંમેન્ટ્‌સની તપાસના આધારે રાકેશ પરમારની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે શેરબજારના દેવા ચૂકવવા માટે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.