મહીસાગરના પાંચમહુડીયા આંગણવાડી કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ‘આંગણ સેવા મિલન કાર્યક્રમ’ યોજાયો

આજરોજ કોઠંબા તાલુકાના પાંચમહુડીયા આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ‘આંગણ સેવા મિલન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગે કોઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ અનિતાબેન પટેલ, જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ બારીયા તેમજ ગામના અગ્રણી આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર મારફતે મળતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમના હકારાત્મક અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રના નાના ભૂલકાંઓ દ્વારા વિવિધ સુંદર પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે રાજ્યના મુખ્યમંત્રીનો પ્રેરણાદાયક સંદેશ ઉપસ્થિત તમામ લાભાર્થીઓને પહોંચાડવામાં આવ્યો હતો. સાથે જ, ઉપસ્થિત સૌ મહાનુભાવો, લાભાર્થીઓ અને ગ્રામજનો દ્વારા કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક ’પોષણ શપથ’ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બાળકો અને કિશોરીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે વિશેષ આયોજન કરાયું હતું. જેમાં મહાનુભાવોના હસ્તે ’સ્વસ્થ બાળક’ તરીકે પસંદગી પામેલા બાળકોને તેમજ કિશોરીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, પાયાના સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડવા બદલ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોની કામગીરીને બિરદાવીને તેઓને મહાનુભાવોના હસ્તે ’પ્રશસ્તિપત્ર’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કુપોષણ સામેની લડતને મજબૂત બનાવવા તેમજ માતા અને બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ’ટેક હોમ રાશન’નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આંગણવાડીના બાળકો અને તમામ લાભાર્થીઓને પોષણયુક્ત સુખડી તેમજ તાજા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને ગ્રામજનોના સક્રિય સહકારથી સમગ્ર કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.