લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત એનિમિયા સ્ક્રીનિંગ અને મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ સંપન્ન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૨૫ વર્ષની અવિરત જનસેવા તથા વિકસિત ભારત ૨૦૪૭ના સામુહિક સંકલ્પ અન્વયે આયોજીત વિવિધ કાર્યક્રમોના ભાગ‚પે સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત મહીસાગર જીલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ઉપલક્ષ્યમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશેષ એનિમિયા સ્ક્રીનિંગ કેમ્પ અને મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય કેમ્પમાં લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ડો. કીર્તિ પટેલ તેમજ મેડિકલ ઓફિસર અને આરોગ્ય વિભાગની વિશેષ ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. કેમ્પ દરમિયાન મહિલાઓમાં એનિમિયાની તપાસ, હિમોગ્લોબિન પરીક્ષણ, એનિમીયા મુક્ત ભારતની નિયત માર્ગદર્શિકા મુજબ આયર્ન અને ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સનું વિનામૂલ્યે વિતરણ તેમજ એનિમિયાની રોકથામ, તેના લક્ષણો અને સમયસર વહેલી તપાસ અંગે લાભાર્થીઓને ઊંડાણપૂર્વકનું તબીબી માર્ગદર્શન પૂરૂ પાડીને ઉપસ્થિત મહાનુભાવો અને તબીબો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.