વર્ષ-૨૦૨૬/૨૭ માં અલનીનોની માઠી અસરને કારણે ગુજરાતમાં વરસાદ અનિયમિત રહ્યો છે. જેના પરિણામે મહિસાગર જિલ્લામાં ખરીફ પાક જેવા કે, ડાંગર, સોયાબીન, મકાઈ, કઠોળ, અને ધાસચારાનો પાક સંપુર્ણપણે સુકાઈ ગયો છે. કુવા, બોર અને તળાવમાં પાણી ખલાસ થઈ જવાથી રવિ પાક થવાની કોઈ આશા રહી નથી. જેને લઈને ખેડુતો, ખેત મજુરો અને શ્રમિકો સમક્ષ રોજીરોટીનો મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાત કિસાન સભાના નૈતૃત્વ હેઠળ મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ખેડુતોએ વિશાળ રેલી યોજી હતી. અને મુખ્યમંત્રીને સંબોધતુ એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપરત કર્યુ હતુ.
આવેદનપત્રમાં મહિસાગર જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જણાવ્યા મુજબ નિષ્ફળ થયેલા ખેતીના પાકો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ હેકટર દીઠ રૂ.૨૫,૦૦૦ ની સહાય આપવામાં આવે. ખેડુતો તથા ખેત મજુરોના બેંક અને સહકારી આર્થિક દેવા માફ કરવામાં આવે, અને રોજગારી માટે રાહત કાર્યો શરૂ કરવામાં આવે. આ ઉપરાંત પશુધન બચાવવા ધાસચારાના ડેપો ખોલવા, પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા, જિલ્લાના તમામ તળાવો પાઈપલાઈનથી ભરવા તેમજ જંગલ જમીનમાં ખેતી કરવા આદિવાસી ખેડુતોને કાયમી પટ્ટા આપવાની ઉગ્ર માંગ કરાઈ છે. જો આગામી ૧૫ દિવસમાં સરકાર દ્વારા આ મામલે યોગ્ય નિર્ણય કરવામાં નહિ આવે તો ઉગ્ર ખેડુત આંદોલન અને સરકારી કાર્યક્રમોનો ઘેરાવ કરવાની અને મામલતદાર કચેરી સામે દિવસ-રાત પડાવ નાંખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લા કિસાન સભા સંઘર્ષ સમિતિના આગેવાનો તેમજ ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, મહામંત્રી પરષોત્તમ પરમાર સહિતના અગ્રણિઓ ઉપસ્થિત રહ્યા હતા.