
મહીસાગર જીલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ)ની આગામી પરીક્ષાઓના આયોજન માટે સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક લુણાવાડા જીલ્લા સેવા સદન સભાખંડ ખાતે જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
કલેક્ટર અર્પિત સાગરે પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સંબંધિત અધિકારીઓને જરી આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા પણ જણાવ્યું હતું.
જીલ્લા શિક્ષણાધિકારી નૈલેષકુમાર મુનિયાએ પરીક્ષા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહીસાગર જીલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી યોજાશે. કુલ ૩૨,૬૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ પૈકી ધોરણ ૧૦માં ૧૮,૬૫૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૧૧૬ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૮૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ બેઠકમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.