મહીસાગર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૭: તેજસ્વી વિદ્યાર્થીઓ આગામી ૩૧ જુલાઈ સુધી કરી અરજી શકશે.

મહીસાગર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે જવાહર નવોદય વિદ્યાલય (મહીસાગર) દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ-૬માં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જવાહર નવોદય વિદ્યાલય, મહીસાગરના આચાર્યશ્રી લાલ ચંદ દ્વારા સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે યોજાનારી ‘જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા’ (JNVST–2027) માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મહીસાગર જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળાઓમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ દરમિયાન ધોરણ-૫માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અરજી કરવા માટે પાત્ર ઠરે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવી શકે તે હેતુથી આ પસંદગી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તેઓને શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટ www.navodaya.gov.in અથવા https://cbseitms.rcil.gov.in/nvs/ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આ અરજી પ્રક્રિયા નિઃશુલ્ક છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શકે. અરજી કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, જેથી સમયમર્યાદામાં જરૂરી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવા આચાર્યશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.