મહીસાગર જીલ્લામાં મલેકપુર નજીક આવેલ જૂનો ‘તાંતરોલી બ્રીજ’ તા. ૦૧ એપ્રિલ થી ૧૬ એપ્રિલ સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં મલેકપુર નજીક તાંતરોલી ગામે મહીસાગર નદી પર આવેલો જૂનો તાંતરોલી બ્રીજ આગામી તા. ૦૧/૦૪/૨૦૨૬ ના ૦૦.૦૦ કલાકથી થી તા. ૧૬/૦૪/૨૦૨૬ ના ૨૪.૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનો તથા રાહદારીઓની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

મહીસાગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર, કડાણા ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે આ પુલ ડુબાણમાં જતો હોવાથી અગાઉ ભારે માલવાહક વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. હાલમાં જીઓ ડીઝાઈન એન્ડ રીસર્ચ પ્રા.લી. દ્વારા ડીટેઈલ સર્વે કરાયા બાદ બ્રીજની સ્થિતિ સારી જણાતા, તેને ચાલુ કરવા અંગેનો નિર્ણય લેવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ’બ્રીજ લોડ ટેસ્ટ’ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ પુલ પરથી અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવી છે.

જાહેર જનતાની સુવિધા માટે અને અગવડ ન પડે તે હેતુસર વાહન વ્યવહારને નીચે મુજબના ત્રણ વૈકલ્પિક ‚ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે

૧. સંતરામપુર કડાણા- ડુંગરપુર રોડ

૨. લીમડીયા- ખાનપુર- મુનપુર રોડ

૩. લુણાવાડા- મલેકપુર- દિવડા કોલોની રોડ

આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.