રક્ષાબંધનના દિવસે લીમખેડા હેલીપેડ ચોપાટપાલ્લી પાસે કારમાં બેસીને સિગારેટ પી રહેલા સ્ક્રેપ વેપારીને ચાર શખ્સોએ ધેરી માર માર્યો હતો. આરોપીઓએ વેપારી પાસેથી રોકડા રૂ.૪૦ હજાર અને આશરે દોઢ તોલાની સોનાની ચેઈન મળી કુલ રૂ.૧.૯૦ લાખની મત્તા લુંટી હુમલો કર્યો હતો.
લીમખેડાના જુના દાહોદ રોડ માર્કેટયાર્ડ પાસે રહેતા અને સ્ક્રેપનો વેપાર કરતા સંદિપભાઈ પ્રકારભાઈ ગુર્જર તા.૨૮ના રોજ દુકાનના કર્મચારી દિલખુશ સાથે કારમાં દુધિયા નોનવેજ લેવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હેલીપેડ ચોપાટપાલ્લી પાસે કાર ઉભી રાખી સિગારેટ પી રહ્યા હતા. આ દરમિયાન મોટા હાથીધરાના ધવલભાઈ રાવત અને રાજુભાઈ રાવત ત્યાં આવ્યા હતા અને ‘અહિંના બાદશાહ હમે છીએ, ઉભા રહેવા પૈસા આપવા પડશે’ તેમ કહી નાણાંની માંગણી કરી હતી. વેપારીએરૂ.૧,૦૦૦ આપ્યા છતાં વધુ પૈસાની માંગણી કરી કારનો દરવાજો તોડી નાંખ્યો હતો. ત્યારબાદ પીપળીનો રાહુલ મુનિયા અને મોટા હાથીધરાનો અનીલ મકવાણા પણ ત્યાં આવ્યા હતા. ચારેયે વેપારીને પકડી રાખી માર માર્યો હતો. અને ખિસ્સામાંથી રૂ.૪૦ હજાર તથા ગળામાંથી સોનાની ચેઈન ખેંચી રૂ.૧.૯૦ લાખની મત્તાની લુંટ ચલાવી હુમલો કર્યો હતો. આ મામલે સંદિપભાઈ પ્રકાશભાઈ ગુર્જરે ફરિયાદ નોંધાવી હતી.