લાખ્ખોની ફી ભરી સંશોધન કરનારા PhDવિદ્યાર્થીઓ અવગણાયા : SGGUના દીક્ષાંત સમારોહમાં આમંત્રણ ન મળતા નારાજગી

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા આગામી શનિવાર, તારીખ 20 ડિસેમ્બર, 2025ના રોજ યોજાવા જઈ રહેલા સાતમા વાર્ષિક પદવીદાન સમારોહની તડામાર તૈયારીઓ વચ્ચે યુનિવર્સિટી માંથી PhDની પદવી મેળવનારા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં કુલ 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થવાની છે, પરંતુ જેમને ઉચ્ચતમ શિક્ષણની ડિગ્રી ગણાય છે. તેવા PhD સ્કોલર્સને જ યુનિવર્સિટી દ્વારા અવગણવામાં આવતા તેમનામાં રોષની લાગણી ફેલાઈ છે.

PhD ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું છે કે, તેમણે સતત ત્રણથી ચાર વર્ષ સુધી મહેનત કરીને અને લાખો રૂપિયા સુધીની ફી ભરીને સંશોધન કાર્ય હાથ ધર્યું છે. જેનો ઉદ્દેશ્ય સમાજ અને શિક્ષણ જગતને યોગદાન આપવાનો હોય છે. આટલી મોટી અને પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કર્યા બાદ, જ્યારે યુનિવર્સિટીમાં રાજ્યપાલની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે મોટાભાગના ઙવઉ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી હાજર રહેવા તેમજ ડીગ્રી રાજ્યપાલજીના હસ્તે લેવા માટે એક પણ આમંત્રણ પત્રિકા કે ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ યુનિવર્સિટી દ્વારા ફક્ત અમુક જ પસંદગીનાPhDવિદ્યાર્થીઓને રૂબરૂમાં રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવા માટે સ્ટેજ પર બોલાવવાનું આયોજન છે. આ પસંદગીના માપદંડો અંગે પણ વિદ્યાર્થીઓમાં અસંતોષ છે. અન્ય PhD વિદ્યાર્થીઓ જેમણે રૂબરૂમાં પદવી મેળવવા માટે રૂા.2,000ની ફી ભરીને ફોર્મ ભર્યું છે, તેમને સ્ટેજ પર સન્માનિત કરવાને બદલે ફક્ત યુનિવર્સિટીએ આજદિન સુધી નિમંત્રણ પણ પાઠવ્યું નથી. રાજ્યપાલ છેક ગાંધીનગરથી ખાસ વિદ્યાર્થીઓને સન્માન કરવા આવતા હોય ત્યારે સર્વોચ્ચ ગણાતી પીએચડીની ડીગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને હોશિયાના ધકેલી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે અથવા તો અમુક ઘણા ગાંઠિયા વિદ્યાર્થીઓને જ બોલાવ્યા હશે, તેવું પણ ચર્ચામાં છે.

PhDકરેલા વિદ્યાર્થીઓએ તેમની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે: “અમે લાખો રૂપિયા ખર્ચ્યા અને વર્ષો સુધી સંશોધન કર્યું. ત્યારે હવે અમને સન્માન પણ ન મળે તે કેટલી દયનીય બાબત છે ! અમારી ઈચ્છા હતી કે, અમારા સંશોધનને ખરા અર્થમાં સાર્થકતા મળે અને રાજ્યપાલના હસ્તે ડિગ્રી મેળવીએ પણ યુનિવર્સિટીએ માત્ર પસંદગીના વિદ્યાર્થીઓને જ બોલાવીને અન્ય ઙવઉ સ્કોલર્સની અવગણના કરી છે, જે અસ્વીકાર્ય છે.” યુનિવર્સિટી આટલો બધો ખર્ચ કરીને કાર્યક્રમ કરતી હોય તો વિદ્યાર્થીઓને પાછલા બારણે પ્રમાણપત્ર જ કેમ મળે ? પોસ્ટ દ્વારા જ કેમ મળે એને સ્ટેજ ઉપર જ મળવા જોઈએ એવો વિદ્યાર્થીઓનો મત છે.

યુનિવર્સિટીના આ ભેદભાવભર્યા આયોજનને કારણે ઉચ્ચ શિક્ષણની ડીગ્રી મેળવનારા વિદ્યાર્થીઓના મનોબળ પર નકારાત્મક અસર પડી છે અને આ પ્રતિષ્ઠિત સમારોહ પર નારાજગીના વાદળો ઘેરાયા છે.