કચ્છ હાઈવે પર આખી ટ્રક સમાય એવડો મોટો ખાડો, કાર અને બાઈક ખાબકતા ૩નાં મોત

ખાવડા-દધ્ધર રોડ પર ચાલી રહેલા પુલિયાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. પુલિયા માટે ખોદાયેલા ઊંડા ખાડા પાસે કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ, બેરિકેડ કે ડાયવર્ઝન મા‹કગ ન મૂકાતા સ્વિફ્ટ કાર અને બે બાઈક સવારો સીધા ખાડામાં ખાબક્યા હતા, જેમાં ૩ લોકોના કરુણ મોત થયા છે. સ્થાનિકોમાં ઘટનાને પગલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને પગલે જવાબદારો સામે લોકો કડક કાર્યવાહીની માગ ઉઠાવી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ, દધાર-સાંધારા રોડ પર નવીનીકરણ અથવા સંબંધિત કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે શનિવારે સાંજે ૭ઃ૩૦થી ૮ઃ૦૦ વાગ્યાની વચ્ચે એક સ્વિફ્ટ કારમાં સવાર ત્રણ લોકો દેઢિયા ગામે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આરોપ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર કોઈ પણ પ્રકારના ચેતવણી આપતા સાઈનબોર્ડ, બેરિકેડ્‌સ કે લાઈટની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. સુરક્ષા વ્યવસ્થાના અભાવે રાત્રિના સમયે વાહનચાલકો આ ખોદાયેલા ભાગને જાઈ શક્્યા નહોતા, પરિણામે એક કાર સીધી ખાડામાં જઈ પડી હતી. કાર અકસ્માત બાદ બે મોટરસાયકલ પણ એ જ ખાડામાં ખાબકી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તાની એક તરફ માટીનો ઢગલો હતો અને બીજી તરફ માત્ર થોરના ઝાંખરા મૂકીને કામચલાઉ આડશ ઉભી કરાઈ હતી. અહીં કોઈ ડાયવર્ઝન કે ભયના નિશાન નહોતા.

આ કામ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે, અકસ્માત બાદ પણ બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર એમ.એ. ટોપીવાલા તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. ત્રણ લોકોના મોત જેવી ગંભીર ઘટના બાદ પણ અધિકારીઓનું મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભતના કારણે જ સલામતીના નિયમોને બાજુએ મૂકવામાં આવ્યા હતા? જો સમયસર ચેતવણી બોર્ડ, બેરિકેડ અને યોગ્ય ડાયવર્ઝન કરવામાં આવ્યું હોત તો કદાચ આજે ત્રણ લોકો મોતને ભેટ્યા ન હોત. લોકો હાલ જવાબદારો સામે કડક કાર્યવાહી અને ગુનો નોંધવાની માગ ઉઠાવી રહ્યા છે સાથે ઘટનાના દિવસો વીતવા છતાં કોન્ટ્રાક્ટર

વિરુદ્ધ કોઈ ગુનો નોંધવામાં ન આવતા વહીવટી તંત્ર અને પોલીસની ઢીલી નીતિ સામે ટીકાઓ કરી રહ્યાં છે. ગંભીર બેદરકારીને કારણે ત્રણ લોકોના મોત થયા હોવા છતાં ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબથી લોકોમાં રોષ છે. હાલમાં જિલ્લા પંચાયતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને તપાસ શરૂ કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.

મૃતક

નૂરબાઈ જુમા સમાણા (ઉં.વ.૪૦, રહે. જુના દેઢિયા)

સમા રેહાના હાકીમભાઈ (ઉં.વ.૨૦), અમદાવાદ રિફર કરતી વખતે ધ્રાંગધ્રા પાસે મોત

રાશીદ સુમર કાલર (ઉં.વ.૨૫, રહે. સાંધારા) (બાઈક સવાર)

આ ઉપરાંત, અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે જેઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.