આણંદમાં રોડ પર ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર હંકારી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું

આણંદ શહેરમાં ફરી એકવાર બેફામ રેતી ભરેલા ડમ્પરના આતંકનો બનાવ સામે આવ્યો છે. શહેરના રસ્તા પર ઝડપથી દોડી રહેલા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરે રસ્તા પરથી પસાર થતી એક મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સર્જ્‌યા બાદ ડમ્પર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક મહિલા આણંદની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે, હજુ સુધી મહિલાની સંપૂર્ણ ઓળખ જાહેર કરવામાં આવી નથી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં રેતી ભરેલા ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોવાથી વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકો દ્વારા ઉઠી રહી છે. પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.